હિન્દી સિનેમાના બે સૌથી મોટા અને પ્રતિષ્ઠિત પરિવારો કપૂર અને બચ્ચન પરિવારનો સંબંધ એક સમયે એક ખાસ વળાંક પર હતો. વર્ષ 2002માં અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસની ભવ્ય ઉજવણી દરમિયાન કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચને પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો, જેના થોડા સમય બાદ બંનેની સગાઈની જાહેરાત પણ કરવામાં આવી હતી.

2003માં તૂટી હતી સગાઈ: વર્ષો પછી સુનીલ દર્શને કર્યો મોટો ખુલાસો!

જોકે, આ સગાઈ લાંબો સમય ટકી શકી નહીં અને થોડા જ મહિનાઓ બાદ 2003ની શરૂઆતમાં બંનેનો સંબંધ તૂટી ગયો. વર્ષો સુધી આ અલગાવને લઈને અનેક અફવાઓ અને અટકળો લગાવવામાં આવી હતી, પરંતુ કપૂર કે બચ્ચન પરિવારમાંથી કોઈએ પણ ક્યારેય જાહેરમાં તેની પાછળનું કારણ જણાવ્યું નથી. બંને પરિવારે હંમેશા આ સંવેદનશીલ મુદ્દા પર મૌન જાળવી રાખ્યું. આજે અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય સાથે સુખી લગ્નજીવન જીવી રહ્યા છે, પરંતુ હવે ફિલ્મ દિગ્દર્શક સુનીલ દર્શને આ ઐતિહાસિક સગાઈ તૂટવા અને ત્યારબાદ બનેલી ઘટનાઓ અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

હાં, મેં ભી પ્યાર કિયાના સેટ પર ખીલ્યો હતો પ્રેમ

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુનીલ દર્શનનો તે સમયે કરિશ્મા કપૂર સાથે ખૂબ જ ગાઢ અને વ્યાવસાયિક સંબંધ હતો. તેમણે કરિશ્માને જાનવર, એક રિશ્તા: ધ બોન્ડ ઓફ લવ અને હાં, મેં ભી પ્યાર કિયા જેવી સફળ ફિલ્મોમાં દિગ્દર્શિત કરી હતી. સુનીલ દર્શને કરિશ્મા અને અભિષેકના સંબંધને ખૂબ નજીકથી આગળ વધતો અને બદલાતો જોયો હતો. હિન્દી રશને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તે સમયને યાદ કરતાં સુનીલ દર્શને જણાવ્યું કે જ્યારે ફિલ્મ હાં, મેં ભી પ્યાર કિયાનું શૂટિંગ શરૂ થવાનું હતું, ત્યાં સુધીમાં બંને પરિવારે તેમના લગ્ન નક્કી કરી દીધા હતા. તેમણે કહ્યું, તેમનો સંબંધ એક રિશ્તા ફિલ્મની શરૂઆત પહેલાં જ શરૂ થઈ ગયો હતો અને સમયની સાથે ઘણો ગાઢ બનતો ગયો. જ્યારે મેં હાં, મેં ભી પ્યાર કિયાની યોજના બનાવી, ત્યાં સુધીમાં એ નક્કી થઈ ગયું હતું કે બંને લગ્ન કરવાના છે. અમિતાભ બચ્ચનના પુત્ર અને રાજ કપૂરની પૌત્રીની આ જોડી ખૂબ જ સુંદર અને આકર્ષક હતી. જોકે, એ વિસંગતિ જ છે કે પડદા પર બંનેની સાથેની એકમાત્ર ફિલ્મ આ જ બનીને રહી ગઈ.

સગાઈ તૂટવાના દિવસે ઘરે જ હાજર હતા દિગ્દર્શક

સુનીલ દર્શને એ ઐતિહાસિક દિવસને યાદ કર્યો જ્યારે કરિશ્મા અને અભિષેકની સગાઈ સત્તાવાર રીતે રદ કરવામાં આવી હતી. તેમણે ખુલાસો કર્યો કે જે દિવસે આ નિર્ણય લેવામાં આવ્યો, તે સંયોગથી કરિશ્મા કપૂરના ઘરે જ હાજર હતા. તેમણે જણાવ્યું, લગ્ન તૂટી જવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. એ નિર્ણય બાદ બંનેએ જે ભાવનાત્મક ઉથલપાથલ અને માનસિક તણાવ સહન કર્યો, તેનો અંદાજ બહારની કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે લગાવી શકે નહીં. સગાઈ તૂટ્યા બાદ તરત જ કરિશ્મા નવા વર્ષની ઉજવણી કરવા બેંગકોક ચાલી ગઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ મને અચાનક ખબર પડી કે તે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરવા જઈ રહી છે. સાચું કહું તો હું તેમના આ અચાનક લીધેલા નિર્ણયને ક્યારેય સમજી શક્યો નહીં.

સગાઈ તૂટવાનું કારણ શું હતું?

કરિશ્મા અને અભિષેકના સંબંધને લઈને મીડિયામાં વર્ષોથી બબીતા કપૂર અને જયા બચ્ચનને જવાબદાર ઠેરવતી વાતો થતી રહી છે. પરંતુ સુનીલ દર્શનનું માનવું છે કે આ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. સંબંધોના અંગત પાસાં વિશે વાત કરતાં તેમણે કહ્યું, લોકો બબીતા જી, જયા જી, કરિશ્મા અથવા અભિષેકને દોષ આપે છે, પરંતુ મારું માનવું છે કે આવી બાબતોને નસીબ પર છોડી દેવી જોઈએ. બંને વચ્ચે એક જુસ્સાભર્યો પરંતુ મતભેદોથી ભરેલો સંબંધ હતો. પ્રેમ વ્યક્ત કરવાની દરેક વ્યક્તિની પોતાની રીત હોય છે. બંને વચ્ચે વિચારો અને સ્વભાવને લઈને ઘણા મતભેદ રહેતા હતા, જે સમયની સાથે વધતા ગયા.

સગાઈ તૂટ્યાના થોડા મહિનામાં જ કરિશ્માએ કર્યા લગ્ન

સગાઈ તૂટ્યાના થોડા જ મહિનાઓ બાદ 29 સપ્ટેમ્બર 2003ના રોજ કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્નથી કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન થયા. જોકે, આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં અને બંને વચ્ચે કડવાશ વધતી ગઈ. લાંબી કાનૂની લડાઈ બાદ આખરે વર્ષ 2016માં કરિશ્મા અને સંજયના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા બાદ વર્ષ 2017માં સંજય કપૂરે મોડલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા, જેમનાથી તેમને એક પુત્ર અજરિયાસ થયો. જૂન 2025માં 53 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હાર્ટએટેક આવતાં સંજય કપૂરનું નિધન થયું હતું.

આ પણ વાંચો-Taarak Mehta માટે 2 વર્ષ સુધી માથાના વાળ કપાવતા રહ્યા જેઠાલાલના બાપુજી! અસિત મોદીએ કર્યો મોટો ખુલાસો!