બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન થયું છે. પોલો રમતી વખતે સંજય કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમણે 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. સંજય કપૂરે 2003માં કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ 13 વર્ષના લગ્નજીવન બાદ બંનેઅ 2016માં છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.
કરિશ્મા કપૂરના થયા હતા છૂટાછેડા
કરિશ્મા કપૂર અને સંજય કપૂરે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પરંતુ તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી અને અભિનેત્રીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. કરિશ્માએ સંજય પર ગંભીર આરોપો લગાવ્યા હતા જેમાં શારીરિક હિંસાથી લઈને તેને વેચવા સુધીના આરોપોનો સમાવેશ થાય છે.
કરિશ્મા કપૂરે સંજય કપૂર પર લગાવ્યા હતા ગંભીર આરોપો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા કપૂરે સંજય કપૂર પર આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગપતિએ હનીમૂન પર અભિનેત્રીની 'હરાજી' કરી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે સંજયે તેને તેના મિત્ર સાથે સૂવા માટે પણ દબાણ કર્યું હતું જેના માટે તેણે કિંમત પણ નક્કી કરી હતી. 2016માં કરિશ્માએ સંજય અને તેની માતા સામે ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો હતો.
અભિનેત્રીને મળી હતી બંને બાળકોની કસ્ટડી
કરિશ્મા કપૂર અને સંજય કપૂરને બે બાળકો છે. લગ્નના બે વર્ષ બાદ 2005માં તેમને સમાયરા નામની પુત્રીનો જન્મ થયો હતો. તો બીજી તરફ2011માં કરિશ્મા અને સંજયને કિયાન નામનો પુત્ર થયો હતો. જ્યારે કરિશ્માએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો ત્યારે તેણે બાળકોની કસ્ટડી પણ માંગી હતી. કોર્ટે અભિનેત્રીના પક્ષમાં ચુકાદો આપ્યો અને બંને બાળકોની કસ્ટડી તેને સોંપી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, સંજય કપૂર સાથે છૂટાછેડા બાદ કરિશ્મા કપૂરે ફરીથી લગ્ન કર્યા નહીં. તે એકલી માતા તરીકે તેના બંને બાળકોને ઉછેરી રહી છે. જ્યારે સંજયે છૂટાછેડાના એક વર્ષ પછી જ પ્રિયા સચદેવા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે કરિશ્મા પહેલા પણ સંજયે ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે લગ્ન કર્યા હતા.