ઉત્તર પ્રદેશ પોલીસનું પ્રથમ સત્તાવાર ગીત "ખાકી કા સિતારા" એક ખાસ વીડિયો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત રિલીઝ થતાં જ બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત દેશભરમાંથી તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. યુપી એન્થમની શરૂઆત મહાકુંભ સમયે થઈ હતી. આ સમયમાં યુપી પોલીસે ખડેપગે રહી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી. મહાકુંભ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોલીસના કામની પ્રશંસા કરી હતી. ત્યારબાદથી ઉત્તરપ્રદેશ પોલીસ માટે આ ગીત વધું ખાસ બની ગયું.
અમિતાભ બચ્ચને શેર કરી ખાસ પોસ્ટ
૬.૫ મિનિટના આ પ્રેરણાદાયી ગીતના વખાણ કરતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. તેમણે ભાવુક અંદાજમાં લખ્યું: "કેટલાક તારા આકાશમાં ચમકે છે, તો કેટલાક ખાખી પહેરીને જમીન પર ચમકે છે. ખાખીનો તારો." બચ્ચન સાહેબની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.
દિગ્ગજ કલાકારોનું યોગદાન
આ ખાસ ગીતમાં દેશની અગ્રણી હસ્તીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. આ ગીતમાં સંગીત અને અવાજ મહાન ગાયક પદ્મશ્રી શંકર મહાદેવનનો છે. જયારે જાણીતા કવિ આલોક શ્રીવાસ્તવ દ્વારા યુપી એન્થમ ગીતની રચના કરવામાં આવી. આ ગીતના વીડિયોમાં અભિનેતા કરણ આનંદ પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. અને આ એન્થમ માટે વિશેષ સહયોગ અમિતાભ બચ્ચન અને પદ્મશ્રી નાના પાટેકર જેવી હસ્તીઓ પણ આ પહેલ સાથે જોડાઈ છે.
https://twitter.com/SrBachchan/status/2089276564357923059
આ ગીત શા માટે છે ખાસ?
યુપી પોલીસના જણાવ્યા મુજબ, આ માત્ર એક મ્યુઝિક વીડિયો નથી પરંતુ પોલીસ જવાનોની કઠિન ફરજો, ત્યાગ અને સમર્પણની વાર્તા છે. વીડિયોમાં કાયદો અને વ્યવસ્થા, મહિલા સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ, આધુનિક ટેકનોલોજી, આપત્તિ વ્યવસ્થાપન અને જાહેર સેવાની ઝાંખી બતાવવામાં આવી છે. એક વર્ષનું મહેનતભર્યું શૂટિંગ થયું. આ ગીતનું શૂટિંગ મહાકુંભ ૨૦૨૫ થી શરૂ કરીને સ્વતંત્રતા દિવસ સુધી સમગ્ર એક વર્ષ દરમિયાન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસના વાસ્તવિક કામને કેદ કરી શકાય. તહેવારો, ભીડ નિયંત્રણ અને કટોકટીના સમયે પોતાના પરિવારથી દૂર રહીને અવિરત સેવા આપતા જવાનોના જીવનને પણ આમાં સુંદર રીતે વણી લેવાયું છે.
ભવ્ય લોન્ચિંગ સમારોહ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૧૪ ઓગસ્ટના રોજ લખનૌના લોક ભવન ખાતે આ ગીત દેશને સમર્પિત કર્યું હતું. આ કાર્યક્રમમાં શંકર મહાદેવન, નાના પાટેકર, આલોક શ્રીવાસ્તવ અને કરણ આનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.