બોલીવુડ અભિનેત્રી કિરણ ખેર એક એવું નામ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તેઓ આજે પતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનયથી લઈને રાજકારણ સુધી તેણીએ દરેક ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. તેણી પોતાની સ્પષ્ટવક્તા શૈલી અને નીડર વ્યક્તિત્વ માટે જાણીતી છે. કિરણ ખેર જ્યારે પણ બોલે છે ત્યારે કોઈપણ ખચકાટ વિના સ્પષ્ટપણે કહે છે. કલા હોય કે રાજકારણ ગમે તે ક્ષેણે તેણીએ દરેક પડકારનો હિંમતભેર સામનો કર્યો છે અને ઘણા લોકોને તેના જુસ્સાથી પ્રેરણા આપી છે.

કેન્સર જેવી ગંભીર બીમારી

કિરણ ખેર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યા હતા ત્યારે પણ તેમણે હિંમતપૂર્વક સામનો કર્યો હતો. સારવાર દરમિયાન પણ તેમણે પોતાની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડી ન હતી. તે સમયે કિરણે લોકસભા સાંસદ તરીકેની પોતાની ફરજો સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવી અને જનતાની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' જેવા લોકપ્રિય ટીવી શોમાં જજ તરીકે હાજર રહ્યા અને પોતાની હાજરીથી દર્શકોને ઉત્સાહિત રાખ્યા હતા. કેન્સર જેવી ભયાનક બિમારી હોવા છતાં તેમનો ચહેરો હમંશા હસતો અને આત્મવિશ્વાસ ભરેલો જોવા મળતો હતો.

કિરણ ખેરનું જીવન ઉતાર-ચઢાવ ભરેલું

14 જૂન 1952ના રોજ જન્મેલી કિરણે પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. વર્ષ 2020માં તેણીને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન થયું જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. હકીકતમાં ઘરે એક અકસ્માતમાં તેના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે તે સારવાર માટે ચંદીગઢની PGIMER હોસ્પિટલમાં પહોંચી ત્યારે પરીક્ષણ બાદ ડોક્ટરોએ તેને કહ્યું હતું કે તે ફક્ત હાડકાના ફ્રેક્ચરનો કેસ નથી પરંતુ તેને મલ્ટીપલ માયલોમા નામનું કેન્સર પણ છે જે તેના હાથ અને ખભા સુધી ફેલાઈ ગયું હતું.

આ સમાચાર જાણ્યા બાદ તેમના પરિવારના સભ્યો અને ફેન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા પરંતુ કિરણ ખેરની હિંમત અકબંધ રહી. તેમણે પોતે સ્વીકાર્યું કે જ્યારે કોઈને કેન્સર જેવી બીમારી હોવાનું નિદાન થાય છે ત્યારે વ્યક્તિ ડરી જાય છે. સારવાર ખૂબ જ મુશ્કેલ હતી અને કીમોથેરાપી અને તેની આડઅસરોએ મને રોગ કરતાં વધુ પરેશાન કરી હતી. શરૂઆતના 6થી 8 મહિના ખૂબ જ મુશ્કેલ હતા પરંતુ મેં હાર ન માની અને બધુ જ ભગવાન પર છોડી દીધું હતું.

જાણો કિરણ ખેરની કારકિર્દી

કિરણ ખેરે 1983માં પંજાબી ફિલ્મ 'આસરા પ્યાર દા'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે પોતાના પતિ અનુપમ ખેર સાથે ફિલ્મ 'પેસ્તોંજી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ ઘણો નાનો હતો. તેણે 'દેવદાસ', 'કર્જ: ધ બર્ડન ઓફ ટ્રુથ', 'મૈં હૂં ના', 'હમ તુમ', 'વીર-ઝારા', 'રંગ દે બસંતી', 'ઓમ શાંતિ ઓમ' અને ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે મોટાભાગે પડદા પર 'માં'ની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. તે 2009માં ભાજપમાં પણ જોડાઈ હતી અને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.


  • Follow us on: