ટીવીની લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝન બંધ થવા જઈ રહી છે. સિરિયલના છેલ્લા એપિસોડનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે. સિરિયલ પૂરી થવાની હોવાથી એક તરફ ચાહકો નિરાશ છે, તો બીજી તરફ કલાકારો માટે પણ આ ભાવુક ક્ષણ છે.

આ સિરિયલમાં રિતુ ચૌધરીએ શોભા વિરાણીનું પાત્ર ભજવ્યું છે. તેમણે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે સિરિયલનાં નિર્માતા એકતા કપૂરથી લઈને સ્મૃતિ ઈરાની સહિતની આખી ટીમ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. સાથે જ ચાહકો તરફથી મળેલા પ્રેમ માટે પણ આભાર માન્યો હતો.

બીજી સીઝનથી રિતુનું સપનું પૂરું થયું

રિતુ ચૌધરીએ સિરિયલ સાથે જોડાયેલી યાદોનો એક વીડિયો બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સાથે તેમણે ભાવુક સંદેશ પણ લખ્યો છે.

તેમણે લખ્યું, “‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ફરી એકવાર પૂરું થઈ રહ્યું છે. કેટલીક વિદાય ખૂબ જ મુશ્કેલ હોય છે. પોતાના જીવનના સૌથી મહત્ત્વના હિસ્સાને ફરી એકવાર અલવિદા કહેવું આઘાતજનક છે.”

શોભાનું પાત્ર ફરી ભજવવાની તક મળવા અંગે તેમણે કહ્યું કે જાણે તેમનું કોઈ સપનું પૂરું થયું હોય તેવી લાગણી થઈ રહી છે.

તેમણે લખ્યું, “મને ફરી એકવાર શોભાનું પાત્ર ભજવવાની તક મળી તે માટે હું ખૂબ આભારી છું. હવે મને સમજાયું છે કે જ્યારે કોઈ સપનું પૂરું થાય ત્યારે કેવું લાગે છે. શોભાનું પાત્ર મને સોંપવા અને મારા પર વિશ્વાસ મૂકવા બદલ એકતા કપૂરનો ખૂબ ખૂબ આભાર. હું હંમેશાં તમારી આભારી રહીશ.”

https://www.instagram.com/reel/DeoXtOFNk4l/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

સ્મૃતિ ઈરાની અને મુઝમ્મિલ દેસાઈ વિશે શું કહ્યું?

રિતુએ પોતાની સહકલાકાર સ્મૃતિ ઈરાનીનાં વખાણ કરતાં લખ્યું, “તમે જેવાં વ્યક્તિ છો અને જે રીતે બીજાઓને પ્રેરણા આપો છો, તે માટે તમારો આભાર. મને આ સફરમાં તમારી સાથે રહેવાની તક મળી તે મારું સદનસીબ છે. તમે મારા જીવનનો હિસ્સો છો તે વાતથી હું ખૂબ ખુશ છું.”

સિરિયલના દિગ્દર્શક મુઝમ્મિલ દેસાઈનાં પણ રિતુએ વખાણ કર્યાં હતાં.

તેમણે લખ્યું, “જ્યારે હું તમને પહેલીવાર મળી હતી અને તમારી સાથે કામ કર્યું હતું, ત્યારે તમારી ઉંમર માત્ર 16 વર્ષ હતી. હવે તમારા દિગ્દર્શન હેઠળ કામ કરવું મારી સફરનો સૌથી સારો અનુભવ રહ્યો છે. તમારા માટે મારા મનમાં ખૂબ માન છે.”

સિરિયલનો છેલ્લો એપિસોડ ક્યારે આવશે?

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ની બીજી સીઝનનો પહેલો એપિસોડ જુલાઈ 2025માં પ્રસારિત થયો હતો. હવે આ સીઝનનો છેલ્લો એપિસોડ 20 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 10:30 વાગ્યે સ્ટાર પ્લસ પર પ્રસારિત થશે.