90 અને 2000ના દાયકા દરમિયાન જેમણે પોતાના અવાજથી સૌને ઘેલા કર્યા હતા, તે પ્રખ્યાત સિંગર અત્યારે એક ગંભીર બીમારીના કારણે ગાઈ શકતા નથી. અમે જે સિંગરની વાત કરી રહ્યા છીએ તે છે અલ્કા યાજ્ઞિક. અલ્કાએ વર્ષ 2024માં જણાવ્યું હતું કે તેમને હિયરિંગ ડિસઓર્ડર (સાંભળવાની તકલીફ) છે. આ જ કારણથી તેઓ અત્યારે લાઈમલાઈટથી દૂર છે. તેમણે જણાવ્યું કે તેઓ હજી પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


નવા પ્રોજેક્ટ્સ લેવામાં પડી રહી છે મુશ્કેલી

અલ્કાએ જણાવ્યું કે આ તકલીફને કારણે તેઓ નવા અસાઇનમેન્ટ્સ લઈ શકતા નથી. તેમણે કહ્યું, ઘણા કમ્પોઝર્સ મારો સંપર્ક કરે છે, પરંતુ હું અત્યારે ગાઈ શકતી નથી. અલ્કા યાજ્ઞિકનો આ છેલ્લો અવાજ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલા (2024)માં સંભળાયો હતો, જેનું સંગીત એ.આર. રહેમાને આપ્યું હતું.

પદ્મ ભૂષણ એવોર્ડ અને બીમારીનું કારણ

અલ્કા યાજ્ઞિકને આ વર્ષે જ પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ સન્માનની અપેક્ષા વહેલી કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું, ના, જ્યારે પણ આવ્યું ત્યારે સારું લાગ્યું. પોતાની બીમારી વિશે અગાઉ સોશિયલ મીડિયા પર ખુલાસો કરતા અલ્કાએ લખ્યું હતું કે, ફ્લાઈટમાંથી બહાર નીકળતાની સાથે જ મને અહેસાસ થયો કે હું કંઈ સાંભળી શકતી નથી. ડોક્ટરોએ જણાવ્યું કે વાયરલ અટેકને કારણે આ સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ થયો છે.


સુપરહિટ ગીતો અને જોડીદારો

અલ્કા યાજ્ઞિકે હિન્દી સિનેમામાં અસંખ્ય સુપરહિટ ગીતો આપ્યા છે, જેમાં ટિપ ટિપ બરસા પાની, એ મેરે હમસફર, ચાંદ છુપા બાદલ મેં અને અગર તુમ સાથ હો જેવા ગીતો સદાબહાર છે. કુમાર સાનુ અને ઉદિત નારાયણ સાથે તેમની જોડી સૌથી વધુ સફળ રહી છે. આ બંને ગાયકો સાથે અલ્કાની ઓફ-સ્ક્રીન મિત્રતા પણ ખૂબ જ ગાઢ છે.

આ પણ વાંચો- Bhooth Bangla : ના સ્ટોરી, ના ક્લાઈમેક્સ… તગડી સ્ટારકાસ્ટ પણ ન બચાવી શકી અક્ષય કુમારની ફિલ્મની ઈજ્જત!

  • Follow us on: