વિજય સેતુપતિની એક્શન થ્રિલર ફિલ્મ ‘મહારાજા’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે ખુદ અભિનેતાએ તેના બીજા ભાગ અંગે અપડેટ આપી છે. વિજયે પુષ્ટિ કરી છે કે ‘મહારાજા 2’ પર કામ ચાલી રહ્યું છે.

સાઉથ એક્ટરે જણાવ્યું કે દિગ્દર્શક નિથિલન સામીનાથને તેમને ફિલ્મની સિક્વલની વાર્તા પણ સંભળાવી છે, જે તેમને ખૂબ જ સુંદર લાગી. આ વાતચીત દરમિયાન અભિનેતાએ ફિલ્મના હોલિવૂડ રિમેક અંગે પણ વાત કરી હતી.

‘મહારાજા 2’ અંગે શું કહ્યું વિજય સેતુપતિએ?

‘બથ્થા’ના ઓડિયો લોન્ચ દરમિયાન વિજય સેતુપતિએ કહ્યું, “નિથિલન એક શાનદાર દિગ્દર્શક છે. તેમની લેખન ક્ષમતા ખૂબ સારી છે. તેમણે તાજેતરમાં મને ‘મહારાજા 2’ની વાર્તા સંભળાવી. તે ખૂબ જ સુંદર હતી. તેમની સાથે કામ કરવું શાનદાર રહ્યું.”

આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સિક્વલ માત્ર શરૂઆતની વાતચીત સુધી સીમિત નથી, પરંતુ તેની સંપૂર્ણ વાર્તા તૈયાર થઈ ગઈ છે.

‘મહારાજા’એ કેટલી કમાણી કરી હતી?

આ પુષ્ટિ સાથે અભિનેતાએ ‘મહારાજા’ની સિક્વલ અંગે છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી અટકળો પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે. પહેલી ફિલ્મ નિયો-નોયર થ્રિલર હતી, જેમાં એક માણસ તેની ચોરી થયેલા કચરાપેટીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે. 

નિથિલન સામીનાથનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ 20 કરોડ રૂપિયા હતું. ફિલ્મે દુનિયાભરમાં લગભગ 190 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે 2024ની સૌથી વધુ નફો કરનારી તમિલ ફિલ્મોમાં સામેલ થઈ હતી.

શું ફિલ્મના હોલિવૂડ રાઇટ્સ વેચાઈ ગયા છે?

વિજય સેતુપતિએ ‘મહારાજા’ની સફળતા અંગે પણ ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમને હંમેશાં ફિલ્મ પર વિશ્વાસ હતો, પરંતુ ફિલ્મ આટલી આગળ જશે તેનો તેમને અંદાજ નહોતો.

ફિલ્મની ઈન્ટરનેશનલ સફળતા વિજય સેતુપતિ માટે કરિયરની સૌથી ખુશીની પળોમાંથી એક બની હતી. પ્રોડ્યુસર સુધન સુંદરમે તાજેતરમાં તેમને જણાવ્યું હતું કે એક હોલિવૂડ એજન્સીએ ‘મહારાજા’ના રિમેક રાઇટ્સ ખરીદી લીધા છે.

વિજય સેતુપતિએ કહ્યું, “પ્રોડ્યુસરે તાજેતરમાં મને ફોન કરીને જણાવ્યું કે તેમણે ફિલ્મના હોલિવૂડ રાઇટ્સ વેચી દીધા છે. મેં તેમને કહ્યું કે હું એક ફિલ્મમાં મફતમાં કામ કરીશ. મને એ હોલિવૂડ રિમેકમાં કોઈ રોલ અપાવો. હું હોલિવૂડ જઈશ. મારી હંમેશાંથી હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા રહી છે, પરંતુ સૌથી વધુ ખુશી એ વાતની છે કે મારી ફિલ્મ હોલિવૂડ જઈ રહી છે.”

હોલિવૂડમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવશે?

સુધન સુંદરમે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે હોલિવૂડ એડેપ્ટેશનની તૈયારી એક A-લિસ્ટ સ્ટાર સાથે કરવામાં આવી રહી છે અને તેના પર આવતા વર્ષ સુધીમાં કામ શરૂ થવાની આશા છે.

ઓસ્કાર વિજેતા મૅથ્યુ મૅકોનહેનું નામ મુખ્ય ભૂમિકા માટે ઘણી ચર્ચામાં છે. જોકે, સુંદરમે કહ્યું હતું કે કાસ્ટિંગની સત્તાવાર પુષ્ટિ આ પ્રોજેક્ટ સંભાળતી એજન્સી જ કરી શકે છે.

‘મહારાજા’ની કાસ્ટ

‘મહારાજા’માં વિજય સેતુપતિ સાથે અનુરાગ કશ્યપે નેગેટિવ રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં સચના નામિદાસ, મમતા મોહનદાસ અને નટ્ટી સુબ્રમણ્યમ પણ જોવા મળ્યા હતા. ફિલ્મનું દિગ્દર્શન નિથિલન સામીનાથને કર્યું હતું. ફિલ્મનું સંગીત બી. અજનીશ લોકનાથે આપ્યું હતું, સિનેમેટોગ્રાફી દિનેશ પુરુષોત્તમને કરી હતી અને એડિટિંગ ફિલોમિન રાજે સંભાળ્યું હતું. ફિલ્મને સુધન સુંદરમ અને જગદીશ પાલનીસામીએ પેશન સ્ટુડિયોઝ, થિંક સ્ટુડિયોઝ અને ધ રૂટના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી.