90ના દાયકાના અંતમાં હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દી શરૂ કરનારી અભિનેત્રીઓમાં ઐશ્વર્યા રાયનું નામ પણ સામેલ છે. ઐશ્વર્યાએ ફિલ્મી દુનિયામાં મોટું નામ બનાવ્યું. આ જ સમયગાળામાં મહિમા ચૌધરીએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. પોતાની પહેલી જ ફિલ્મથી મહિમા ચર્ચામાં આવી ગઈ હતી. જોકે ત્યારબાદ તેમને પહેલાં જેવી લોકપ્રિયતા મળી નહોતી. કારકિર્દીની શરૂઆતમાં બનેલી એક ઘટનાએ તેમનું જીવન ઘણું બદલી નાખ્યું હતું.
કેન્સર સામે લડી, અંગત જીવનમાં પણ આવ્યા ઉતાર-ચઢાવ
મહિમા ચૌધરી કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ લડી ચૂકી છે. તેમનું અંગત જીવન પણ ઘણા ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે અને છેલ્લા 13 વર્ષથી તેઓ છૂટાછેડા બાદ એકલા જીવન જીવી રહ્યા છે.
મિસ દાર્જિલિંગનો ખિતાબ જીત્યો...
મહિમા ચૌધરી હવે 53 વર્ષની થઈ ચૂકી છે. અભિનેત્રીનો જન્મ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 13 સપ્ટેમ્બર 1973ના રોજ થયો હતો. મહિમાને શરૂઆતથી જ ફિલ્મી દુનિયામાં રસ હતો. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલા અભિનેત્રીએ વર્ષ 1995માં ઐશ્વર્યા રાય અને આમિર ખાન જેવા કલાકારો સાથે પેપ્સીના એક જાહેરાતમાં કામ કર્યું હતું. આ ઉપરાંત નાની ઉંમરે જ તેમણે મિસ દાર્જિલિંગનો ખિતાબ પણ જીત્યો હતો.

પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં બનાવી ખાસ જગ્યા
16-17 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કરનારી મહિમા પાસે ઘણી ફિલ્મોની ઓફર આવી હતી. જોકે ડેબ્યૂ માટે તેમણે દિગ્ગજ ડિરેક્ટર સુભાષ ઘઈની ફિલ્મ પરદેસ પસંદ કરી હતી. આ ફિલ્મમાં તેમની સામે શાહરુખ ખાન જોવા મળ્યા હતા. આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ મોટા પડદા પર મોટી હિટ સાબિત થઈ હતી અને મહિમા પહેલી જ ફિલ્મથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકી હતી. તેમની એક્ટિંગની સાથે તેમની સ્માઇલ અને સુંદરતા પર પણ દર્શકો ફિદા થઈ ગયા હતા. આ ફિલ્મ માટે મહિમાની પસંદગી 3000 યુવતીઓમાંથી કરવામાં આવી હતી.
એ ભયાનક અકસ્માત, ચહેરામાંથી કાચના 67 ટુકડા કાઢ્યા હતા
મહિમા ચૌધરી સાથે વર્ષ 1999માં એવી ઘટના બની હતી જેને અભિનેત્રી ક્યારેય ભૂલી શકતી નથી. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેઓ અજય દેવગનની ફિલ્મ દિલ ક્યા કરેનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે રોડ અકસ્માત થયો હતો. શૂટિંગના છેલ્લા દિવસે અભિનેત્રી હોટેલથી સેટ પર જઈ રહી હતી ત્યારે સામેની તરફથી આવેલા એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિમાના ચહેરામાં કાચના અનેક ટુકડા ઘૂસી ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ આગળ જણાવ્યું હતું કે સર્જરી કરીને તેમના ચહેરામાંથી કાચના 67 ટુકડા કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ તેમની સુંદરતા પર પણ ઘણી અસર કરી હતી. તેની અસર તેમની કારકિર્દી પર પણ પડી હતી. આ સાથે તેમને માનસિક અને શારીરિક પીડામાંથી પણ પસાર થવું પડ્યું હતું. ડોક્ટરે તેમને પોતાનો ચહેરો ન જોવાની સલાહ આપી હતી. તેમના મનમાં સતત એ ડર રહેતો હતો કે આ ઘટનાને કારણે તેમની કારકિર્દી બરબાદ થઈ જશે.
અકસ્માત બાદ કરી હતી દમદાર વાપસી
મહિમા ચૌધરીએ આ અકસ્માત બાદ પણ દમદાર વાપસી કરી હતી. ત્યારબાદ તેઓ બાગબાન, ધડકન, કુરુક્ષેત્ર, દિલ હૈ તુમ્હારા, લજ્જા અને ખિલાડી 420 સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતાં.

2006માં લગ્ન, 2013માં છૂટાછેડા
મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેને એક દીકરી અરિયાના થઈ હતી, જે પોતાની માતા જેવી જ દેખાય છે. જોકે મહિમા અને બોબીનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો. બંને વર્ષ 2013માં છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.

કેન્સરને આપી હતી માત
વર્ષ 2022માં મહિમાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. અભિનેત્રીએ મુંબઈમાં જ આ બીમારીની સારવાર કરાવી હતી અને થોડા જ સમયમાં તેઓ તેમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે તેમની ખબર-અંતર પૂછવા અનુપમ ખેર પણ પહોંચ્યા હતા.

હવે શું કરી રહી છે મહિમા ચૌધરી?
મહિમા ચૌધરી હજુ પણ ફિલ્મી દુનિયામાં કામ કરી રહી છે. કામની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે સંજય મિશ્રા સાથે ફિલ્મ દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદીમાં જોવા મળી હતી. આ ફિલ્મ ડિસેમ્બર 2025માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. સિદ્ધાંત રાજ સિંહના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ જિયો હોટસ્ટાર પર જોઈ શકાય છે.
આ પણ વાંચો-KBCમાં અમિતાભ બચ્ચને જણાવી પોતાની અધૂરી ઈચ્છા! બોલ્યા- 'મને આજે પણ અફસોસ છે...'