બોલિવૂડના દિગ્ગજ અને પાવરહાઉસ અભિનેતા મનોજ બાજપેયી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પોતાની શાનદાર એક્ટિંગથી કરોડો દિલ જીતનાર મનોજ બાજપેયી હવે ભૌતિક સુખ-સુવિધાઓ અને જીવનની લાલચોથી ઘણા ઉપર ઉઠી ચૂક્યા છે. તાજેતરમાં જ રણવીર અલ્હાબાદિયાના પ્રખ્યાત પોડકાસ્ટ શોમાં તેમણે પોતાના દિલની વાત કહી. જે સાંભળી તમારી આંખમાં પણ આસું આવી જશે. મનોજે ભાવુક થઈને જણાવ્યું કે, નામ અને ખ્યાતિ મેળવવાની દોડમાં તેમણે જીવનની સૌથી કિંમતી વસ્તુ - પોતાના માતા-પિતા સાથેનો સમય ગુમાવી દીધો છે.


એક્ટિંગ છોડી દેવાનું મન થાય છે, મનોજ બાજપેયી

શો દરમિયાન જ્યારે મનોજને તેમની કારકિર્દી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો. મનોજે કહ્યું, "હું તમને સાચું કહું તો, છેલ્લા ૧૦ વર્ષથી મને ક્યારેક ક્યારેક એવું થાય છે કે હું અભિનય છોડી દઉં. પણ પછી અચાનક કોઈ નવું અને અદભુત પાત્ર મારી સામે આવે છે, અને હું ફરી શૂટિંગ પર પહોંચી જાઉં છું."

તેઓ ગંભીર રોલ નહી કોમિક ફિલ્મ કરવા માગે છે

તેમણે ઉમેર્યું કે, તેઓ માત્ર ઘર ચલાવવા કે મજબૂરીમાં એક્ટિંગ કરવા નથી માંગતા, પણ પાત્ર ભજવવાની મજા આવે એટલે કામ કરે છે. મનોજે મજાકમાં એમ પણ કહ્યું કે, ગંભીર સિનેમાથી દૂર હવે તેમને કોઈ બકવાસ કોમેડી, ગીતો અને ડાન્સ વાળી કોમર્શિયલ ફિલ્મો જોવાની કે તેમાં કામ કરવાની ઈચ્છા થાય છે, જ્યાં પાત્ર વિશે બહુ વિચારવું ન પડે!

સફળતા માટે ચૂકવવી પડી ભારે કિંમત

પોતાના ભૂતકાળને યાદ કરતાં મનોજ બાજપેયી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે સ્વીકાર્યું કે સફળતા મેળવવા માટે તેમણે અંગત જીવનમાં બહુ મોટી કિંમત ચૂકવી છે. મનોજે જણાવ્યું કે "જો હું પાછળ ફરીને જોઉં, તો મેં ઘણું બધું ગુમાવ્યું છે. હું મારા માતા-પિતા સાથે ક્યારેય લાંબો સમય રહી જ ન શક્યો. અમે ગામડાના હતા એટલે મને ભણવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલાયો, ત્યારપછી એક્ટર બનવા માટે હું દિલ્હી આવી ગયો અને ઘણું શીખ્યો." અહીં મને મિત્રોએ મદદ કરી પરંતુ માતા-પિતાથી દૂર થઈ ગયો.

'જ્યારે બધું મળી ગયું, ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ જરૂરી હતું?'

મનોજ બાજપેયીએ ભૌતિકવાદી દુનિયા પર કટાક્ષ કરતા કહ્યું કે, "આ બધી ભૌતિક વસ્તુઓ નામ અને દામ પાછળ મેં મારા જીવનના સુંદર સંબંધોનો ત્યાગ કર્યો. આજે જ્યારે બધું જ પ્રાપ્ત થઈ ગયું છે, ત્યારે મનમાં સવાલ થાય છે કે શું આ ખરેખર એટલું કિંમતી હતું? ક્યારેક થાય છે કે કાશ હું મારા પિતા સાથે વધુ સમય વિતાવી શક્યો હોત. મારી માતા સાથે જે નાની-મોટી સમસ્યાઓ હતી, કદાચ હું તેની સાથે રહીને ઉકેલી શક્યો હોત."

આપણે બધા મૃત્યુ તરફ જઈએ છીએ..

માતા-પિતાના અવસાન પછી પૂર્વજોના ઘરની સ્થિતિ વિશે વાત કરતા મનોજે કહ્યું કે, હવે જ્યારે તેઓ ગામના ઘરે જાય છે, ત્યારે દિવાલો પર લટકેલા ચિત્રો જોઈને માતા-પિતાની યાદ આવે છે અને ત્યાં લાંબો સમય રોકાવાનું મન થતું નથી. જીવનના કડવા સત્યનો સ્વીકાર કરતા તેમણે અંતમાં કહ્યું, "હવે ત્યાં જવાનો કોઈ ફાયદો નથી. માણસે સ્વીકારવું જ પડે છે કે આપણે બધા દરરોજ ધીમે-ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ. આ જીવન બીજું કંઈ નહીં, પણ આપણી અંતિમ યાત્રા તરફની સફર છે."


આ પણ વાંચો : Bollywoodના આ 2 જાણીતા એક્ટર્સને મળ્યો હતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામના ભિડેનો રોલ!

  • Follow us on: