બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીનું આજે 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર ફરી વળતાં સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. રાજકોટવાસીઓ પણ ધર્મેન્દ્રના નિધનના સમાચારથી શોકાતુર થઇ ગયા છે કારણ કે રાજકોટમાં ધર્મેન્દ્રએ પોતાના પુત્રો સાથે અપને ફિલ્મનું શૂટીંગ કર્યું હતું.
રાજકોટવાસીઓમાં આજે ધર્મેન્દ્રજીની યાદો ફરી જીવંત થઈ ઉઠી
રાજકોટવાસીઓમાં આજે ધર્મેન્દ્રજીની યાદો ફરી જીવંત થઈ ઉઠી છે કારણ કે વર્ષ 2007માં તેમની યાદગાર ફિલ્મ ‘અપને’નું શૂટિંગ અહીં જ કરાયું હતું.
ઐતિહાસિક ફિલ્મ ‘અપને’
‘અપને’ એક એવી ફિલ્મ હતી જેમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ અને બોબી દેઓલ—પિતા અને બંને પુત્ર—એકસાથે જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા એક ભૂતપૂર્વ બોક્સર (ધર્મેન્દ્ર)ની છે, જે પોતાના પુત્રો મારફતે ગુમાવેલું માન ફરી હાંસલ કરવાની કોશિશ કરે છે.
ઇન્ડોર સ્ટેડિયમમાં બોક્સિંગ મેચના દૃશ્યો
રાજકોટના ઇન્ડોર સ્ટેડિયમમાં બોક્સિંગ મેચના દૃશ્યો ફિલ્મ માટે મહત્વપૂર્ણ હતાં. જેમાં બોબી દેઓલ અને આર્યન વૈદ્ય વચ્ચે મુકાબલો શૂટ કરવામાં આવ્યો હતો, અને ધર્મેન્દ્ર કોચ-પિતા તરીકે દેખાયા હતા.
ધર્મેન્દ્ર, સન્ની અને બોબી દેઓલ લગભગ અઠવાડિયાં સુધી રાજકોટમાં રહ્યા હતા
આ ફિલ્મ માટે શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર, સન્ની અને બોબી દેઓલ લગભગ અઠવાડિયાં સુધી રાજકોટમાં રહ્યા હતા. દિગ્દર્શકને લગભગ 15 હજાર ચાહકોની જરૂર હતીપરંતુ સ્ટેડિયમની અંદર અને બહાર ધર્મેન્દ્રના ચાહકોની આટલી મોટી ભીડ હતી કે દર બે કલાકે ચાહકોની ગોઠવણી કરવી પડી. સ્ટેજની બહાર હજારો દર્શકો રાહ જોઈ રહ્યા હતા, જેથી તેઓ ધર્મેન્દ્રને નજીકથી જોઈ શકે.
રાજકોટવાસીઓ માટે તે દિવસો આજે પણ યાદગાર
રાજકોટવાસીઓ માટે તે દિવસો આજે પણ યાદગાર છે જ્યારે પિતા-પુત્ર ત્રિપુટી એકસાથે આ શહેરમાં જોવા મળ્યા હતા. તેની મીઠી યાદો, દૃશ્યો અને બોક્સિંગ મંચ હવે માત્ર યાદગીરી બની ગઇ છે.
બોલિવુડ સુપરસ્ટારનો અંત
ધર્મેન્દ્રજીને ગત 1 નવેમ્બરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી.તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા. આજે તેમનું અવસાન થયું છે, જેને લઈને તેમની ફેન્સ, સિનેમાની દુનિયા અને ખાસ કરીને રાજકોટમાં લોકોમાં શોકની લાગણી ફરી વળી હતી ધર્મેન્દ્રજીની ફિલ્મી યાત્રા, પિતા-પુત્ર સાથેની તેમના રોમાંચક કેમિસ્ટ્રી દીર્ઘ સમય સુધી ભુલાઇ નહીં શકે.