અભિનેત્રી મૃણાલ ઠાકુર અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘રાકા’માં જોવા મળશે તેવી ચર્ચા છે. હવે મૃણાલે આ અહેવાલો અંગે પ્રતિક્રિયા આપવાની સાથે જણાવ્યું છે કે તેમણે છેલ્લા 9 મહિનાથી કોઈ ફિલ્મ સાઇન કરી નથી.
‘મિડ-ડે’ સાથેની વાતચીત દરમિયાન મૃણાલને પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મ ‘રાકા’નો ભાગ છે? આ સવાલના જવાબમાં મૃણાલે ન તો હા પાડી કે ન તો ના કહી. જોકે, તેણે કહ્યું, “મેં છેલ્લા 9 મહિનાથી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. હું કોઈ અર્થપૂર્ણ ભૂમિકાની રાહ જોઈ રહી છું. હવે જે પણ જાહેરાત થશે, તે મારા સોશિયલ મીડિયા પેજ પર કરવામાં આવશે. ત્યાર બાદ મને તેના વિશે વાત કરવી ગમશે.”
મૃણાલ ઠાકુરે ફિલ્મ સાઇન કરવાનું કેમ ટાળ્યું?
મૃણાલે આગળ જણાવ્યું કે તેણે અત્યાર સુધી કોઈ ફિલ્મ સાઇન કેમ કરી નથી. તેણે કહ્યું, “જે કહાનીઓ પર ફિલ્મો બની રહી છે, તેની સાથે હું પોતાને જોડી શકતી નથી. તેથી મેં થોડો સમય વિરામ લેવાનું નક્કી કર્યું. હું દરરોજ શૂટિંગ પર જઈને મારી જાતને એવો સવાલ કરવા માગતી નથી કે હું અહીં શા માટે છું.
મેં ફિલ્મના સેટ પર 120 દિવસ વિતાવ્યા છે. તેથી હવે કોઈ પણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં હું ઘણું વિચારી લઉં છું. હું એવી ફિલ્મ સાઇન કરવા માગું છું, જે મને માત્ર પ્રેમ અને ઓળખ જ નહીં, પરંતુ સર્જનાત્મક સંતોષ પણ આપે. જ્યારે હું રાત્રે સૂવા જાઉં ત્યારે મને એવું ન લાગવું જોઈએ કે મેં ખરાબ કામ કર્યું છે. હું એવું સારું કામ કરવા માગું છું, જેને ઓછામાં ઓછાં 30 વર્ષ સુધી યાદ રાખવામાં આવે.”
ફિલ્મ ‘રાકા’માં જોવા મળશે અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ
ફિલ્મ ‘રાકા’ની વાત કરીએ તો તેમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દીપિકા પાદુકોણ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ એટલી કરી રહ્યા છે. ફિલ્મ 2027માં રિલીઝ થવાની છે.
મૃણાલ ઠાકુર છેલ્લે કઈ ફિલ્મમાં જોવા મળી હતી?
મૃણાલના કામની વાત કરીએ તો તે છેલ્લે ‘પૂજા મેરી જાન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે પૂજાની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તે વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં બાનીના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે વરુણ ધવનની પત્નીની ભૂમિકા ભજવી હતી.