OTT મનોરંજનનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે અને મૂવી લવર્સ માટે આ એક મોટી ભેટ પણ છે, કારણ કે હવે ઘર બેઠા ઓછા ખર્ચે સબસ્ક્રિપ્શન લઈને ઘણું બધું કન્ટેન્ટ અને અલગ-અલગ જોનરની ફિલ્મો જોઈ શકાય છે.
આવતાની સાથે જ નંબર 1 બની ફિલ્મ
OTT પર દર અઠવાડિયે કંઈક ને કંઈક રિલીઝ થાય છે, પરંતુ ગણતરીની ફિલ્મો કે સીરિઝ જ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સ્થાન બનાવી શકે છે. તાજેતરમાં એક ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. 1 કલાક અને 56 મિનિટની આ ફિલ્મે રિલીઝ થતાંની સાથે જ પ્લેટફોર્મ પર કબજો જમાવી લીધો છે. આ ફિલ્મ 3 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી અને માત્ર 24 કલાકમાં જ ફિલ્મે નંબર 1નું સ્થાન મેળવી લીધું છે. ફિલ્મની કહાની ચાઇલ્ડ ટ્રાફિકિંગ જેવા ગંભીર મુદ્દા પર આધારિત છે.

શું છે ફિલ્મની કહાની?
ફિલ્મની કહાની એક એવી માતાની છે, જે ભીડભાડવાળા રેલવે સ્ટેશન પર પોતાની નાની દીકરીને ગુમાવી દે છે. હિંસક હુમલાને કારણે થોડા સમય માટે તેની આંખોની રોશની પણ જતી રહે છે. ડર અને દુઃખનો સામનો કરતી આ માતાએ પોતાનું દર્દ પાછળ છોડીને બાળકોની તસ્કરી કરતા એક ગુપ્ત નેટવર્કનો સામનો કરવો પડે છે. આ નેટવર્ક બહુરુપિયા અને જૂની લોકકથાઓથી ભરેલા વિચિત્ર શહેર જોયપુરામાં ચાલે છે.

પોતાની દીકરી અને બીજા ગુમ થયેલા બાળકો હંમેશાં માટે ગાયબ થઈ જાય તે પહેલા તેમને બચાવવા માટે તે બદલો લેવાની ભાવનાથી ભરેલી એક શક્તિશાળી અને લગભગ પૌરાણિક શક્તિનું રૂપ ધારણ કરે છે.
કઈ ફિલ્મ છે આ?
આ કહાની ગાંધારી ફિલ્મની છે, જેમાં તાપસી પન્નુએ બાનીનું પાત્ર ભજવ્યું છે. બાની એક નાની બાળકીની માતા છે અને ટ્રેનમાં કોઈ તેની દીકરીનું અપહરણ કરીને લઈ જાય છે. ત્યારબાદ તાપસી પોતાની દીકરીને શોધવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દે છે, પરંતુ તે પહેલા એક અકસ્માતમાં તેની આંખોની રોશની જતી રહે છે.

દીકરીને શોધતી વખતે તેને એક મોટી ચાઇલ્ડ ટ્રાફિકિંગ ગેંગ વિશે ખબર પડે છે, જેને જાણીને તે ચોંકી જાય છે. તો શું બાની આ ગેંગનો પર્દાફાશ કરી શકશે? શું તે પોતાની દીકરીને શોધી શકશે? શું તે ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ફસાયેલા બાળકોને મુક્ત કરાવી શકશે? આ તમામ સવાલોના જવાબ ગાંધારી ફિલ્મ આપે છે. ગાંધારી એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન દેવાશિષ માખીજાએ કર્યું છે અને તેની સ્ટોરી કનિકા ઢિલ્લોને લખી અને તેનું નિર્માણ પણ કર્યું છે. ફિલ્મમાં તાપસી પન્નુ, ઈશ્વાક સિંહ, છાયા કદમ, સ્વસ્તિકા મુખર્જી અને મીતા વશિષ્ઠ જોવા મળે છે.
આ પણ વાંચો-Old Song : 58 વર્ષ જૂનું જન્માષ્ટમીનું સૌથી વાયરલ ગીત, લતા મંગેશકરના અવાજમાં આજે પણ હિટ છે આ સદાબહાર ગીત!