સાઉથ સિનેમાના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં તેમની એક સર્જરી કરવામાં આવી હતી, જેના કારણે તેમના સ્વાસ્થ્યને લઈને ચાહકોમાં ચિંતા જોવા મળી રહી હતી. હવે તેમની પત્ની અન્ના કોનિડેલાએ સોશિયલ મીડિયા પર પવન કલ્યાણની હાલની સ્થિતિ વિશે ખુલાસો કર્યો છે.

પવન કલ્યાણની પત્ની અન્નાએ ફેન્સનો માન્યો આભાર

પવન કલ્યાણના સ્વાસ્થ્ય અંગે ચાહકો આતુરતાથી અપડેટની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પત્ની અન્ના કોનિડેલાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નાનો પણ મહત્વપૂર્ણ સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું, "તેઓ અત્યારે સ્વસ્થ થઈ રહ્યા છે. બધું બરાબર છે. આપ સૌનો આભાર." આ સંદેશ બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

શા માટે પવન કલ્યાણની કરવી પડી સર્જરી?

રિપોર્ટ્સ મુજબ, શુક્રવારે સવારે જ્યારે પવન કલ્યાણ અધિકારીઓ સાથે વહીવટી બાબતોની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ અને ભારે દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જનસેના પાર્ટીના નિવેદન અનુસાર, પવન કલ્યાણ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ડોક્ટરોએ MRI સહિતના વિવિધ ટેસ્ટ કર્યા બાદ સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો, જે શનિવારે સાંજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

ક્યારે ફરી સક્રિય થશે પવન કલ્યાણ?

તબીબી ટીમે પવન કલ્યાણને હાલ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેઓ 1 થી 10 દિવસના આરામ બાદ ફરી પોતાની સત્તાવાર ફરજો પર પરત ફરી શકે છે. જોકે, તેમને લાંબા ગાળાની સાવચેતી રાખવાની અને સંપૂર્ણ રિકવરી માટે થોડો વધુ સમય ફાળવવાની સૂચના આપવામાં આવી છે. ડોક્ટરોના મતે, તેમની સામાન્ય દિનચર્યામાં પાછા ફરવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. પવન કલ્યાણ હાલમાં તેમની આગામી ફિલ્મ 'ઉસ્તાદ ભગત સિંહ' અને રાજકીય જવાબદારીઓ બંનેમાં વ્યસ્ત છે.