Preity Zinta હવે કુણાલ ખેમૂ સાથે એક સ્પાય કોમેડી થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ મજેદાર લાગી રહ્યું છે. થિયેટરોમાં 14 ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘બંટવારા 1947’નો જાદુ બોક્સ ઓફિસ પર ચાલી રહ્યો નથી. 6 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે માત્ર 33.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
પ્રીતિ ઝિન્ટાની નવી ફિલ્મ ‘વાઇબ’
પ્રીતિ ઝિન્ટાની એક નવી ફિલ્મનું ટીઝર જાહેર થયું છે. ફિલ્મનું નામ ‘વાઇબ’ છે, જે આગામી મહિનામાં થિયેટરોમાં રિલીઝ થશે. પ્રીતિ ઝિન્ટા સાથે કુણાલ ખેમૂ અને સ્પર્શ શ્રીવાસ્તવ આ ફિલ્મમાં લીડ રોલમાં છે. કુણાલે ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે ડિરેક્શન પણ કર્યું છે. સાથે જ ચિરાગ નિહલાની સાથે મળીને તેમણે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે. 21 ઓગસ્ટે તેનું ટીઝર વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ મનોરંજનભર્યું લાગી રહ્યું છે.
‘વાઇબ’માં બે મિત્રોની મિશન પર જવાની કહાની
ફિલ્મના ટીઝરમાં કુણાલ ખેમૂ અને સ્પર્શ એવા બે મિત્રોની ભૂમિકા ભજવી રહ્યા છે, જેઓ મુશ્કેલીથી પોતાનું જીવન સંભાળી શકે છે. દેશ પર એક હુમલો થવાની જાણ થાય છે અને પ્રીતિ ઝિન્ટા તે બંને મિત્રોને દેશને બચાવવાની જવાબદારી આપે છે. પ્રીતિ ઝિન્ટા બંનેને કહે છે કે દેશને તમારી બંનેની જરૂર છે. આના પર કુણાલ ખેમૂનું પાત્ર કહે છે, “જો આ દેશને મારી જરૂર છે, તો વાત પહેલેથી જ હાથમાંથી નીકળી ગઈ છે. હું યોગ્ય રીતે મારી રક્ષા કરી શકતો નથી, તમે લોકો પઠાણ-ટાઇગર જેવા એજન્ટને મોકલો ને.”
‘સોલ્જર’માં પણ સાથે હતા બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટા
કુણાલ ખેમૂનો આ સીન ટીઝરમાં કોમેડીનું કામ કરે છે. ત્યારબાદ, સ્પર્શ આ મિશન માટે રાજી થઈ જાય છે. વધુ એક સીન છે, જ્યાં પ્રીતિ કુણાલને કહે છે કે દેશને તમારી જરૂર છે, સોલ્જર બનો. તેના પર કુણાલ કહે છે કે હું કેવી રીતે સોલ્જર બનું, હું બોબી દેઓલ છું?. ઉલ્લેખનીય કે ‘સોલ્જર’ બોબી દેઓલની ફિલ્મનું નામ છે, જે 1998માં રિલીઝ થઈ હતી. તેમાં પણ બોબી દેઓલ સાથે પ્રીતિ ઝિન્ટા જ જોવા મળી હતી.
‘વાઇબ’ની રિલીઝ ડેટ
‘વાઇબ’ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં યશપાલ શર્મા અને ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ પણ જોવા મળશે. ટીઝરમાં બંનેની ઝલક પણ જોવા મળી છે. કુણાલે વર્ષ 2024માં ‘મડગાંવ એક્સપ્રેસ’ દ્વારા ડિરેક્શનમાં પોતાની સફર શરુ કરી હતી. તેમની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ