અભિનેતા પુનિત ઇસ્સરે અભિનેત્રી સ્વરા ભાસ્કરના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે 2019ના સુપ્રીમ કોર્ટના રામ જન્મભૂમિ-અયોધ્યા ચુકાદા અંગે દુઃખ અને શરમ અનુભવાતી હોવાનું કહ્યું હતું. પુનીત ઇસ્સરનું કહેવું છે કે કોઈ પણ કલાકારે આવી ટિપ્પણી કરવી જોઈએ નહીં

પુનિત ઇસ્સરે એક વાતચીતમાં સોશિયલ મીડિયા પરના વિવાદોમાં કલાકારોની ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા સ્વરા ભાસ્કરના નિવેદન અને તેને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે વાત કરતાં તેમણે કહ્યું, "સૌથી પહેલાં તો કોઈ પણ અભિનેતા કે અભિનેત્રીએ આવા વિવાદમાં પડવું ન જોઈએ, કારણ કે કલાકાર તરીકે આપણે દરેકનું ધ્યાન રાખવું જોઈએ."

તેમણે કહ્યું, "આપણું કામ મનોરંજન કરવાનું છે, એટલે એ જ કામ કરો." પુનિત ઇસ્સરે આગળ કહ્યું કે જો કોઈ વ્યક્તિને રાજકારણ કે સમાજસેવામાં રસ હોય તો તેણે એ ક્ષેત્રમાં જવું જોઈએ. તેમણે કહ્યું, "જો તમને સમાજસેવક બનવું હોય અથવા રાજકારણમાં જવું હોય તો એ જ કામ કરો. માત્ર ચર્ચામાં રહેવા માટે અથવા કોઈના સમર્થન અને ભંડોળ પર અંગત કામ કરવા માટે આવી ચોંકાવનારી વાતો કરવી, મારા મતે, યોગ્ય નથી. આવું કોઈએ પણ ન કરવું જોઈએ."

શું હતું સ્વરા ભાસ્કરનું નિવેદન?

અભિનેત્રી સ્વરા ભાસ્કરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે 2019ના સુપ્રીમ કોર્ટના રામ જન્મભૂમિ-અયોધ્યા ચુકાદાથી તેમને ખૂબ દુઃખ અને શરમ અનુભવાઈ હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે ચુકાદો આવ્યા બાદ તેમણે ફોન કરીને પોતાના તમામ મુસ્લિમ પરિચિતો અને સહકર્મીઓને તેમજ શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા કલાકારોને સંદેશ મોકલીને માફી માંગી હતી.

જોકે, સ્વરા ભાસ્કર અગાઉ પણ અનેક વિવાદોમાં રહી ચૂકી છે. તેમણે અગાઉ ફિલ્મ 'પદ્માવત' અંગે પણ વાત કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.