હંગામા, હલચલ અને ભૂલ ભૂલૈયા જેવી ફિલ્મોમાં લોકોને હસાવનાર અભિનેતા રાજપાલ યાદવ અત્યારે મુશ્કેલ સ્થિતિમાં છે. રાજપાલ યાદવ આર્થિક તંગીને લઈને કાનૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ અત્યારે તિહાડ જેલમાં બંધ છે. અભિનેતા જેલમાં બંધ થયાના સમાચાર સામે આવતા જ હડકંપ મચ્યો હતો. દરમિયાન રાજપાલ યાદવની વહારે આવ્યું બોલીવુડ. ઇન્ડસ્ટ્રીના લોકોએ આર્થિક મદદ કરતા રાજપાલની પત્ની રાધા યાદવે બોલીવુડ સેલિબ્રિટીઝનો આભાર માન્યો છે.

રાધા યાદવ થઈ ભાવુક, બોલીવુડ સેલિબ્રિટીનો માન્યો આભાર

રાજપાલની પત્ની રાધા યાદવે જણાવ્યું છે કે ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ અભિનેતાને ટેકો આપ્યો છે. રાધા યાદવે તેમને મદદ કરી રહેલા દરેક વ્યક્તિનો આભાર માન્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કોણે તેમનો સંપર્ક કર્યો છે, ત્યારે રાધાએ કહ્યું, "દરેક વ્યક્તિએ તેમને ટેકો આપ્યો છે. ઉદ્યોગ ખૂબ જ સહયોગી રહ્યો છે. મદદ કરવા આગળ આવનાર દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોએ રાજપાલ યાદવના પરિવારને આર્થિક મદદ કરી અને અન્ય લોકોને અભિનેતાને નાણાંકીય મદદ કરવા અપીલ કરી.

અભિનેતા રાજપાલ યાદવને આ લોકોએ કરી મદદ

મહત્વનું છે કે ₹9 કરોડની લોન અને ચેક બાઉન્સના જૂના કેસમાં રાજપાલ યાદવને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે તેમની રાહત માટેની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે 5 ફેબ્રુઆરી, 2026 ના રોજ દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. અભિનેતા સોનુ સૂદ, ગુરમીત ચૌધરી, અજય દેવગન, સલમાન ખાન, વરુણ ધવન, ગાયક ગુરુ રંધાવા અને સંગીતકાર રાવ ઇન્દ્રજીત યાદવ જેવા કલાકારોએ ફાળો આપ્યો છે. ગાયક મીકા સિંહ પણ આગળ આવ્યા છે.

રાજપાલ યાદવનો શું છે સમગ્ર મામલો

રાજપાલ યાદવનો કેસ 2010નો છે, જ્યારે અભિનેતાએ તેમની દિગ્દર્શિત ફિલ્મ "આતા પતા લપતા" માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ₹5 કરોડની લોન લીધી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, જેના કારણે નાણાકીય મુશ્કેલીઓ અને લોન ચૂકવવામાં મુશ્કેલી પડી. પરિણામે, તેમને આપવામાં આવેલા ઘણા ચેક બાઉન્સ થયા. ત્યારબાદ, કંપનીએ કાનૂની કાર્યવાહી કરી. દિલ્હી હાઈકોર્ટે 2 ફેબ્રુઆરી, 2026 ના રોજ તેમના શરણાગતિનો આદેશ આપ્યો હતો. જેના બાદ 5 ફેબ્રુઆરી,2026 ના રોજ, સાંજે 4 વાગ્યે, રાજપાલ યાદવે તિહાર જેલના અધિક્ષક સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ ઘટના સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીના લોકો રાજપાલ યાદવની મદદે આવ્યા.


આ પણ વાંચો : Salman Khanના બનેવી આયુષ શર્માને મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી આવ્યો ધમકીભર્યો ઈમેલ