ચેક બાઉન્સના જૂના કેસને લઈને કોર્ટના ચક્કર કાપી રહેલા એક્ટર રાજપાલ યાદવે શનિવારે આ સમગ્ર કેસ પર ખુલીને વાત કરી. મુંબઈ એરપોર્ટ પર ANI સાથે વાત કરતાં રાજપાલ યાદવે પોતાનો પક્ષ રાખ્યો અને એક મોટો દાવો પણ કર્યો. તેમણે કહ્યું કે એક પક્ષને 12 થી 14 વર્ષથી સાંભળવામાં આવી રહ્યો છે, પરંતુ બીજા પક્ષને યોગ્ય રીતે સાંભળ્યા વગર આ વિવાદનો ઉકેલ આવવો મુશ્કેલ છે. રાજપાલ યાદવે જણાવ્યું કે તેમની સામે શરૂઆતમાં 3 આરોપ લગાવવામાં આવ્યા હતા. પહેલો એ કે તેમણે 5 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું, બીજો એ કે તેમણે લોન લીધી અને ત્રીજો એ કે તેમણે એક વેપારી સાથે છેતરપિંડી કરી.
પોતાના પર લાગેલા આરોપો પર રાજપાલ યાદવનો સવાલ
એક્ટર રાજપાલ યાદવે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બધા ચેક અને ઘણા કરારો હાજર છે તો છેતરપિંડી કેવી રીતે સાબિત થઈ શકે. તેમણે કહ્યું, જે આખી દુનિયાનું દિલ જીતી ચૂક્યા હોય, જે લોકો વચ્ચે જઈને સેલ્ફી પડાવતા હોય અને જેની પાછળ 30 લોકોનો પરિવાર હોય, તે 5 કરોડ રૂપિયા માટે પોતાનું નામ, પ્રસિદ્ધિ અને ઈજ્જત કેમ દાવ પર લગાવશે?
https://www.instagram.com/reel/DeoC8WqFWwC/?utm_source=ig_web_copy_link&mdxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==
રાજપાલ યાદવે કર્યો મોટો દાવો
રાજપાલ યાદવે દાવો કર્યો કે ખરેખર મામલો 5 કરોડનો નહીં પણ 22 કરોડનો બનાવી દેવામાં આવ્યો છે. જો આ લોન હતી તો સામે વાળી કંપનીએ એ જણાવવું પડશે કે 2010 માં 5 કરોડની લોન આપવાનો અધિકાર તેની પાસે હતો કે નહીં, તેની પાસે લાયસન્સ હતું કે તે NBFC હતી. રાજપાલ યાદવના જણાવ્યા મુજબ 2013 માં એક કરાર થયો હતો જેમાં 60 ટકા રકમ ચૂકવાઈ ચૂકી હતી અને બાકીની 40 ટકા ચૂકવવાની વાત હતી.

કોર્ટના આદેશ છતાં જેલ મોકલવાની માગ પર નારાજગી
રાજપાલ યાદવે કહ્યું કે 2016 માં હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે બાકીની રકમ ચૂકવી દેવામાં આવે. તેમણે કહ્યું કે આદેશ પછી જૂના ચેક બાઉન્સના કેસ આપોઆપ પૂરા થઈ જવા જોઈતા હતા. 2018 માં તેમના એક મિત્ર અનંત દત્તારામ લાડે પોતાની લગભગ 25 કરોડ રૂપિયાની પ્રોપર્ટી કોર્ટ સમક્ષ રજૂ કરી અને વિનંતી કરી કે બાકીના 8.5 કરોડ રૂપિયા આમાંથી વસૂલ કરી લેવામાં આવે. આમ છતાં સામે વાળા પક્ષના વકીલોએ તેમને જેલ મોકલવાની માંગણી કરી.
કોરોના સમયમાં પણ ચાલુ રહ્યો વિવાદ
તેમણે કહ્યું કે આમ છતાં 2012 અને 2013 ના જૂના ચેક લઈને ફરીથી મામલો ઉઠાવવામાં આવ્યો. કોરોના સમયમાં પણ આ વિવાદ ચાલુ રહ્યો, 2022 અને 2023 માં બીજા 11 કરોડ રૂપિયા ચૂકવવાની માંગ સામે આવી. રાજપાલ યાદવે કહ્યું કે જો આ લોન હતી તો તે 2018 માં જ ચૂકવી ચૂક્યા છે. હવે 5 કરોડના મૂળ આરોપ પર 22 કરોડની રકમ અને સુપ્રીમ કોર્ટમાં સુરક્ષા પેટે રાખેલા 2 કરોડ રૂપિયાનો બોજ તેમના પર નાખવામાં આવી રહ્યો છે. એક્ટરે કોર્ટને વિનંતી કરી કે બીજા પક્ષને 12 થી 14 વર્ષ સાંભળ્યા પછી એક વાર તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે જેથી સાચી હકીકત સામે આવી શકે.
આ પણ વાંચો-Mollywood : લગ્નના એક મહિના બાદ ડિરેક્ટર બેલરાજ કલારીકલનું આકસ્મિક મોત, હોટેલના રૂમમાંથી મળ્યો મૃતદેહ