ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ રામાયણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ કમાલનું પ્રદર્શન કરી રહી છે. તેના તમામ પાત્રોના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે, પરંતુ રાવણના રોલમાં યશને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો તેમની સરખામણી લગભગ 4 દાયકા પહેલાં રામાયણ સિરિયલમાં રાવણનો રોલ ભજવનાર અરવિંદ ત્રિવેદી સાથે કરી રહ્યા છે. તાજેતરમાં જ અરવિંદ ત્રિવેદીની દીકરી કવિતા ઠાકરે પણ રામાયણ સિરિયલ અને તેમના પિતા દ્વારા ભજવવામાં આવેલા રાવણના પાત્ર વિશે વાત કરી.
રામાનંદ સાગરની રામાયણ સાથે જોડાયેલા ખાસ કિસ્સા
તેમણે રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણ વિશે વાત કરી અને જણાવ્યું કે આ સિરિયલમાં તેમના પિતાને રાવણનો રોલ કેવી રીતે મળ્યો હતો. તેમણે ઓડિશન સાથે જોડાયેલી વિગતો શેર કરી અને સાથે જ એ પણ જણાવ્યું કે રાવણનો રોલ કર્યા પછી તેમના પિતાને દુઃખ કેમ થતું હતું.
100 ઓડિશન બાદ ફાઇનલ થયા હતા અરવિંદ ત્રિવેદી
કવિતાએ તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે અરવિંદ ત્રિવેદી જ્યારે શૂટિંગ સેટ પર પહોંચ્યા ત્યારે ત્યાં ઓડિશન ચાલી રહ્યા હતા. પપ્પા ત્યાં કેવટના રોલનું ઓડિશન આપવા ગયા હતા, પરંતુ રામાનંદ સાગરે તેમને કહ્યું કે આ કોસ્ચ્યુમ પહેરી લો અને આ ડાયલોગ્સ બોલો. ત્યારબાદ પપ્પાનો સ્ક્રીન ટેસ્ટ થયો. આ પહેલાં 100 લોકોનું ઓડિશન રાવણના રોલ માટે થઈ ચૂક્યું હતું, પરંતુ રામાનંદ સાગરને આ રોલ માટે કોઈ યોગ્ય લાગતું ન હતું. જ્યારે પપ્પાએ પોતાની સ્ટાઇલમાં રાવણના ડાયલોગ્સ બોલ્યા ત્યારે તેમણે રામાનંદ સાગરની આંખોમાં એક ચમક જોઈ. જ્યારે પપ્પા ઓડિશન પૂરું કરીને નીકળી રહ્યા હતા ત્યારે રામાનંદ સાગરે તેમને બોલાવ્યા અને કહ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? ફાઇનલી મને મારો રાવણ મળી ગયો છે.
રાવણના રોલમાં દુઃખી કેમ થઈ જતા હતા અરવિંદ ત્રિવેદી?
કવિતાના જણાવ્યા મુજબ અરવિંદ ત્રિવેદી સિરિયલમાં રાવણનો રોલ મેળવીને ખૂબ સરપ્રાઇઝ થઈ ગયા હતા, કારણ કે તેઓ તો કેવટના રોલનું ઓડિશન આપવા માટે ગયા હતા. પરંતુ રાવણનો રોલ ભજવતી વખતે અરવિંદ ત્રિવેદી ખૂબ દુઃખી થઈ જતા હતા, કારણ કે તેમને અભિનય દરમિયાન ઘણી વખત ભગવાન રામનું અપમાન કરવું પડતું હતું. ભગવાન રામ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખનાર અરવિંદ ત્રિવેદી રાવણનો રોલ કર્યા પછી પસ્તાવો અનુભવતા હતા અને ભગવાન રામની માફી માગવા માટે કલાકો સુધી તેમની પૂજા કરતા હતા.
આ પણ વાંચો-Tamil Movie : સૂર્યાની ફિલ્મ સીન એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 100 કરોડથી બસ આટલી દૂર!