બોલીવુડ સુપરસ્ટાર રણબીર કપૂર અને કન્નડ સુપરસ્ટાર યશ વચ્ચે મોટા પડદા પર થનારી ટક્કર જોવા માટે ભારત જ નહીં, પરંતુ દુનિયાભરના ફેન્સ ઉત્સુક છે. બંને સ્ટાર્સ ટૂંક સમયમાં જ ફિલ્મ રામાયણ: રાઇઝ ઓફ અ લેજન્ડમાં આમને-સામને જોવા મળશે. આ મોટા બજેટની ફિલ્મ હાલ એડવાન્સ બુકિંગમાં ધૂમ મચાવી રહી છે. ભારતમાં એડવાન્સ બુકિંગમાં જ ફિલ્મે અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

એડવાન્સ બુકિંગમાં રામાયણની કમાણી 15 કરોડથી વધુ

રામાયણના પહેલા દિવસ માટેનું એડવાન્સ બુકિંગ દશેરાના અવસરે 19 ઓક્ટોબરથી શરૂ થયું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, રામાયણ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 29 ઓક્ટોબરની સવાર સુધીમાં કુલ 15.56 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ આંકડો બ્લોક સીટ્સ સાથેનો છે, જ્યારે બ્લોક સીટ્સ વગર ફિલ્મનું કલેક્શન 12.77 કરોડ રૂપિયા થયું છે.

હિન્દી સહિત વિવિધ ભાષાઓમાં કલેક્શન

કુલ એડવાન્સ કલેક્શનમાં સૌથી વધુ હિસ્સો હિન્દી વર્ઝનનો રહ્યો છે. હિન્દી વર્ઝનમાંથી એડવાન્સ બુકિંગમાં 13.06 કરોડ રૂપિયાની કમાણી થઈ છે, જે કુલ કલેક્શનના 84 ટકા જેટલી છે. ત્યાર પછી કન્નડ વર્ઝનમાંથી ફિલ્મે 2.04 કરોડ રૂપિયા અને તેલુગુ વર્ઝનમાંથી 46.38 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Ramayana Ranbir Kapoor (3)

અંદાજે 3 લાખ ટિકિટો વેચાઈ

પહેલા દિવસ માટે આ એડવાન્સ બુકિંગ અત્યાર સુધીમાં 6,382 શો દ્વારા થયું છે. રામાયણ: રાઇઝ ઓફ અ લેજન્ડ' ફિલ્મે પોતાના ઓપનિંગ ડે માટે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 97 હજાર ટિકિટો વેચી દીધી છે, જ્યારે હજુ તેની રિલીઝમાં આશરે 1 અઠવાડિયા જેટલો સમય બાકી છે. ફિલ્મ રામાયણ 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Ramayana Ranbir Kapoor (1)

50 હજાર સ્ક્રીન્સ અને 100 થી વધુ દેશોમાં રિલીઝ

2 ભાગમાં બની રહેલી રામાયણનું ડિરેક્શન નિતેશ તિવારીએ કર્યું છે અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા છે. 4 હજાર કરોડ રૂપિયાના બજેટમાં બનેલી રામાયણ: રાઇઝ ઓફ અ લેજન્ડમાં રણબીર અને યશ ઉપરાંત રવિ દુબે, અરુણ ગોવિલ, રકુલ પ્રીત સિંહ, લારા દત્તા, સાંઈ પલ્લવી, સની દેઓલ, કુણાલ કપૂર અને વિવેક ઓબેરોય જેવા કલાકારો પણ સામેલ છે. મેકર્સે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે મોટા પાયે રિલીઝ કરવાનું આયોજન કર્યું છે. રામાયણ 100 થી વધુ દેશોમાં પહોંચશે અને સમગ્ર વિશ્વમાં તેને 50 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Ramayana: સૂટ પર 10 માથાવાળો બ્રોચ! રામાયણના સ્ક્રીનિંગમાં ખાસ અંદાજમાં છવાયો રોકિંગ સ્ટાર યશ