રણબીર કપૂરની રામાયણ રિલીઝ થયાને એક દિવસ પૂર્ણ થઈ ગયો છે. ફિલ્મ રિલીઝ થતાં જ ભારતમાં તેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. વાત રણબીર કપૂર, યશ, રવિ દુબે, સાઈ પલ્લવીના ઉત્કૃષ્ટ અભિનયની હોય કે પછી VFX, દમદાર સીન્સ અને તેની પાછળ થયેલી સખત મહેનતની ફિલ્મને જે ભવ્ય સ્કેલ પર તૈયાર કરવામાં આવી છે, તે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. રામાયણનો પહેલો ભાગ રિલીઝ થઈ ચૂક્યો છે અને બીજો ભાગ 2028માં લાવવામાં આવશે. આ બંને ફિલ્મોનું સંયુક્ત બજેટ 4000 કરોડ છે, તે હિસાબે માત્ર પહેલા ભાગને બનાવવામાં 2000 કરોડનો ખર્ચ થયો છે. જોકે, પહેલા દિવસનું કલેક્શન તે સ્તરે પહોંચી શક્યું નથી, જેવું સૌ કોઈએ ધાર્યું હતું.
પહેલા દિવસે વિશ્વભરમાંથી 127 કરોડની કમાણી
રણબીર કપૂરની રામાયણ પાર્ટ 1 ફિલ્મે પહેલા દિવસે ભારતમાં તમામ ભાષાઓ મળીને કુલ 64.85 કરોડનો નેટ કારોબાર કર્યો છે. જેમાં હિન્દી ભાષામાંથી માત્ર 47.50 કરોડનું કલેક્શન નોંધાયું છે, જ્યારે ભારતનું કુલ ગ્રોસ કલેક્શન 77.50 કરોડ રહ્યું છે. ઓવરસીઝ (વિદેશી બજારો)ની વાત કરીએ તો આ ફિલ્મે વિદેશમાંથી ₹50 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે ફિલ્મનું પહેલા દિવસનું કુલ વર્લ્ડવાઇડ કલેક્શન 127.50 કરોડ પર પહોંચ્યું છે. ફિલ્મ માટે જે રીતનો ક્રેઝ હતો તેને જોતાં એવી ધારણા હતી કે તે પહેલા દિવસે સરળતાથી 200 કરોડનો આંકડો વટાવી જશે, પરંતુ વાસ્તવમાં ફિલ્મ તે આંકડાથી પાછળ રહી ગઈ છે.


