રામાયણ દુનિયાભરમાં ભારતીય સિનેમાને એક અલગ અને ખાસ ઓળખ અપાવતી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મ પાછળ ખૂબ મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મને ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે બનાવવામાં આવી રહી છે. મેકર્સ આ ફિલ્મને દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલાંથી જ તે સતત નવા રેકોર્ડ બનાવી રહી છે અને હવે તેના ટ્રેલરે પણ ઈતિહાસ રચી દીધો છે.

રામાયણના ટ્રેલરને મળ્યા 100 કરોડ વ્યૂઝ

રામાયણના ટ્રેલરે એવું કરી બતાવ્યું છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં આજ સુધી થયું નથી. સેકનિલ્કના અહેવાલ અનુસાર, એક અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલા રામાયણના ટ્રેલરને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ ભાષાઓમાં 1 બિલિયન એટલે કે 100 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પોતાનામાં જ એક મોટો અને ગૌરવ લેવા જેવો આંકડો છે.

તમામ ભાષાઓમાં રેકોર્ડબ્રેક વ્યૂઝ મળ્યા

રામાયણનું ટ્રેલર માત્ર હિન્દીમાં જ નહીં, પરંતુ અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવ્યું હતું અને તમામ ભાષાઓમાં તેને રેકોર્ડબ્રેક વ્યૂઝ મળ્યા છે. યુટ્યુબથી લઈને ઇન્સ્ટાગ્રામ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર હિન્દી ટ્રેલરને 617 મિલિયન એટલે કે 61 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેલુગુ ભાષામાં પણ દર્શકોએ ટ્રેલરને ખૂબ પસંદ કર્યું છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ તેલુગુ ટ્રેલરને 53 મિલિયન એટલે કે 5.3 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે તમિલ ટ્રેલરને 32.7 મિલિયન એટલે કે 3.2 કરોડ અને મલયાલમ ટ્રેલરને 37 મિલિયન એટલે કે 3.7 કરોડ વ્યૂઝ લખાણ તૈયાર થયું ત્યાં સુધી ઇન્સ્ટાગ્રામ પર મળી ચૂક્યા હતા. જ્યારે કન્નડ ભાષામાં રામાયણના ટ્રેલરને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર મળીને કુલ 25.7 મિલિયન એટલે કે 2.5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે.

દિવાળીએ ધમાકો કરશે રામાયણ

મેકર્સે 30 જુલાઈએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું અને તાજેતરમાં તેની રિલીઝ ડેટની પણ સત્તાવાર જાહેરાત કરી છે. 2 ભાગમાં બની રહેલી આ ફિલ્મનો પહેલો ભાગ 6 નવેમ્બર 2026ના રોજ દિવાળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે. રણબીર કપૂર ભગવાન શ્રીરામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. જ્યારે લંકાપતિ રાવણનું પાત્ર યશ ભજવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું છે અને નિર્માતા નમિત મલ્હોત્રા છે.

આ પણ વાંચો-Massive Hit : 400 કરોડ પાર! સ્પાઈડર મેનની સુનામીમાં ઉડી બોલીવુડની ફિલ્મો, 10 મોટી મુવીઝના રેકોર્ડ્સ ચકનાચૂર!