ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ મેચમાં પોતાની રમુજી શૈલી અને જોરદાર પ્રદર્શન માટે જાણીતા છે. તેમણે મેદાન પર ઘણી વખત ફેન્સનું દિલ જીતી લીધું છે પરંતુ આ વખતે તેઓ ક્રિકેટને કારણે નહીં પરંતુ તેમના જન્મદિવસ અને આજે મહવશના સરપ્રાઈઝ પ્લાનના વીડિયોના કારણે ચર્ચામાં આવ્યા છે.
ચહલને મહવશે ખાસ સરપ્રાઈઝ આપ્યું
યુઝવેન્દ્ર ચહલે 23 મે 2025ના રોજ લંડનમાં પોતાનો 35મો જન્મદિવસ ઉજવ્યો. ક્રિકેટર માટે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ આજે મહવશે ખાસ સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું જેને જોઈને ચહલ ખૂબ જ ખુશ થયો હતો. તેના જન્મદિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. ચહલ હાલમાં ઈંગ્લેન્ડની નોર્થમ્પ્ટનશાયર ટીમ માટે રમી રહ્યો છે. તેના જન્મદિવસ પર તેના ખાસ મિત્ર આરજે મહવશે તેના માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું જેની તેને બિલકુલ અપેક્ષા નહોતી.
લંડનમાં રસ્તાઓ પર જ્યારે યુઝવેન્દ્ર ચહલ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક ફ્લેશ મોબ શરૂ થઈ ગયો હતો અને ઘણા લોકો નાચવા લાગ્યા. આ સરપ્રાઈઝ જોઈને ક્રિકેટર આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. ચહલ શું થઈ રહ્યું છે તે જોઈને ચોંકી ગયો પછી તેને ખ્યાલ આવ્યો કે આ બધું તેના માટે થઈ રહ્યું છે. આ જોઈને તે થોડો ભાવુક થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. ચહલે પાછળથી કહ્યું હતું કે આ તેના જીવનમાં તેને પહેલું જન્મદિવસનું સરપ્રાઇઝ મળ્યું છે જેની તેણે અપેક્ષા પણ નહોતી રાખી. આ સરપ્રાઇઝ તેના હૃદયને સ્પર્શી ગઈ છે.
મહવશ અને ચહલના અફેરની ચર્ચાઓ તેજ
આ પ્રસંગે આરજે મહવશે તેના સોશિયલ મીડિયા પર ચહલનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે લંડનના એક રેસ્ટોરન્ટમાં હસતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે એમ પણ લખ્યું હતું કે સપના જેવી ક્ષણો માટે સાચા મિત્રની જરૂર હોય છે. જન્મદિવસની શુભકામનાઓ! મહવશના આ ક્યૂટ સરપ્રાઈઝ વીડિયો જોયા બાદ ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ચાહકો આ વીડિયો પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે બાકી બધું બરાબર હતું પણ જો મહવશે અંતે ચહલને પ્રપોઝ કર્યું હોત તો વધુ મજા આવી હોત. તો ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે, છૂટાછેડા બાદ ફરી ચહલ ખુશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ લોકો આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલના અફેરની ચર્ચાઓ કરી રહ્યા છે.