બોલીવુડમાં જ્યારે પણ કોઈ પ્રખ્યાત જોડી આવે ત્યારે મોટો ધમાકો થાય છે. ત્યારે હવે એક આવી જ જોડી છે રોહિત શેટ્ટી અને અજય દેવગનની. આ બંનેએ અત્યાર સુધીમાં લગભગ 13 ફિલ્મો સાથે કરી છે અને ટૂંક સમયમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની 14મી ફિલ્મ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે.
હવે 'ગોલમાલ 5' આવવાની શક્યતા
અજય દેવગન અને રોહિત શેટ્ટી જોડી મળીને થિયેટરને હાસ્યથી ગુંજાવી મુકશે તે નક્કી છે અગાઉ પણ તેમની ફિલ્મોએ લોકોને મજા કરાવી દીધી છે ત્યારે ફરી એકવાર બંને સાથે જોવા મળશે તેવું સાંભળીને ફેન્સ ઝુમી ઉઠ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની આગામી ફિલ્મ 2026માં શરૂ કરશે. આ ફિલ્મ 'ગોલમાલ' ફ્રેન્ચાઇઝીનો આગામી ભાગ બનવા જઈ રહી છે. અજય દેવગન ફરી એકવાર 'ગોલમાલ 5' સાથે બધાને ધૂમ મચાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે રોહિત શેટ્ટી 'રાકેશ મારિયા'ની બાયોપિક પર કામ કરી રહ્યા છે. હાલમાં દિગ્દર્શક જોન અબ્રાહમ સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને તેનું એડિટિંગ પણ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે. જોન અબ્રાહમની આ ફિલ્મ 2026 ની શરૂઆતમાં રિલીઝ થવાની ધારણા છે.
ગોલમાલ 5'નું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે
આ ફિલ્મ બાદ દિગ્દર્શક રોહિત શેટ્ટી 'ગોલમાલ 5' પર કામ શરૂ કરશે. 'ગોલમાલ 5'નું શૂટિંગ આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી અથવા માર્ચ 2026 માં શરૂ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કહાનીનો ભાગ મળી ગયો છે તેથી પટકથા પણ લખવામાં આવી રહી છે. 'ગોલમાલ 5' ની સ્ક્રિપ્ટ પર નવા લેખકો કામ કરી રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ ફરી એકવાર અજય દેવગન તેના પલટન એટલે કે અરશદ વારસી, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે, તુષાર કપૂર અને જોની લીવર સાથે 'ગોલમાલ' કરતો જોવા મળશે.
'ગોલમાલ'નો છેલ્લો ભાગ વર્ષ 2017માં આવ્યો હતો. તેથી ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી 'ગોલમાલ 5' ની સ્ટાર કાસ્ટ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ, અજય દેવગનની ઘણી ફિલ્મો એક પછી એક રિલીઝ થવા જઈ રહી છે. 'રેન્જર', 'ધમાલ 4', 'દે દે પ્યાર દે 2', 'સન ઓફ સરદાર 2' અને 'દ્રશ્યમ 3' પણ આ યાદીમાં સામેલ છે.