બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં ચર્ચામાં છે. કારણ કે તેઓ કપિલ શર્માના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 3માં મહેમાન તરીકે આવ્યા છે. જ્યાં તેઓ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા તમામ રહસ્યોના ખુલાસા કરતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ તેઓ તેમના નાના ભાઈ સોહેલ ખાનની ભૂતપૂર્વ પત્ની સીમા સજદેહને પણ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.


ઘરના દરવાજા હંમેશા મહેમાનો માટે ખુલ્લા: સલમાન

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સીઝન 3નો પહેલો એપિસોડ શનિવારે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો જેમાં સલમાન ખાન મહેમાન તરીકે દેખાયો. આ દરમિયાન હોસ્ટ કપિલ શર્માએ ઘણા સવાલોપૂછ્યા જેમાં અભિનેતાએ ખુલાસો કર્યો કે તેમના ઘરના દરવાજા હંમેશા મહેમાનો માટે ખુલ્લા છે. આ દરમિયાન ભાઈજાને ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકર વિશે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ મુંબઈ આવ્યા હતા ત્યારે તેઓ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેમના ઘરે રોકાયા હતા.

સલમાન ખાન આગળ જણાવે છે કે અવિનાશ ગોવારિકરે તેમને કહ્યું હતું કે તેઓ મુંબઈમાં બીજું ઘર ન મળે ત્યાં સુધી ભાઈજાનના ઘરમાં રહેવા માંગે છે. પરિવારે તેમની ઇચ્છા સ્વીકારી હતી. ઘણા વર્ષો વીતી ગયા પણ અવિનાશ પાછો ફર્યો નહીં. જ્યારે સલમાન તેમને પૂછે છે કે શું તેમને ઘર મળ્યું? તેના પર ફોટોગ્રાફર કહે છે કે ઘર તો 15 દિવસમાં જ મળી ગયું પરંતુ તેમને ખાન પરિવારના ઘરનું વાતાવરણ ગમ્યું તેથી તેઓ અહીં રોકાયા.

સલમાન ખાને ભૂતપૂર્વ ભાભીને કરી ટ્રોલ

અવિનાશ ગોવારિકરના ખુલાસા બાદ જ સલમાન ખાને તેની ભૂતપૂર્વ ભાભી અને સોહેલ ખાનની ભૂતપૂર્વ પત્ની સીમા સજદેહને ટ્રોલ કરી હતી. અવિનાશ ગોવારિકર વિશે વાત કરતા ભાઈજાને આગળ કહ્યું, 'તે સમય દરમિયાન સોહેલ ભાગી ગયો અને લગ્ન કરી લીધા હતા. હવે તે પણ ભાગી ગઈ.' આ સાંભળીને જજ નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પૂરણ સિંહ જોરથી હસવા લાગે છે. સોહેલ ખાન અને સીમા સજદેહના લગ્ન 1998માં થયા હતા. જોકે, બંને 2022માં અલગ થઈ ગયા હતા.


  • Follow us on: