સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને વાત હતી કે ટૂંક સમયમાં ફિલ્મનું સેન્સર બોર્ડ માટે સ્ક્રીનિંગ થવાનું છે. જોકે, હાલમાં આ દિશામાં કોઈ કામ થયું નથી. સલમાન ખાનની ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’ હજુ સુધી સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCમાં જમા કરવામાં આવી નથી અને ચીનને લઈને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા મુદ્દાને કારણે આ મામલો અટક્યો છે.
ચીનના મુદ્દાને લઇને રિલીઝ અટકી
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે આ વૉર ડ્રામા ફિલ્મનું સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ આવતા અઠવાડિયે થવાનું છે. આ સમાચાર બાદ ફિલ્મના થિયેટરમાં રિલીઝ થવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, એક અહેવાલમાં જણાવાયું છે કે આવું કોઈ સ્ક્રીનિંગ નક્કી કરવામાં આવ્યું નથી અને ભૂરાજકીય મુદ્દાને કારણે ફિલ્મ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
શરૂઆતમાં ‘બેટલ ઑફ ગલવાન’ નામથી જાહેર કરાયેલી આ ફિલ્મ ભારત અને ચીન વચ્ચે 2020માં થયેલી સૈન્ય અથડામણ પર આધારિત છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં રાજદ્વારી સંબંધોમાં સુધારો થયો હોવા છતાં, સંરક્ષણ મંત્રાલયે ફિલ્મની કેટલીક સામગ્રીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ વર્ષની શરૂઆતમાં આવેલા અહેવાલોમાં સંકેત મળ્યો હતો કે સત્તાવાર મંજૂરી મેળવવા માટે ‘ચીન’ સાથે જોડાયેલા ઉલ્લેખોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી શકે છે.
આ હાલની સ્થિતિ અંગે વાત કરતાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નિર્માતા કોઈ સહમતી સુધી પહોંચવા માટે સરકારી અધિકારીઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. નિર્માતાઓને 2026માં થિયેટરમાં રિલીઝ માટે મંજૂરી મળવાની આશા છે, પરંતુ વાંધાઓ દૂર કરવામાં કોઈપણ પ્રકારનો વિલંબ થાય તો ફિલ્મનું પ્રીમિયર 2027 સુધી ટળી શકે છે.
ઈદ 2026માં રિલીઝ થવાની હતી
વાસ્તવમાં ઈદ 2026 દરમિયાન રિલીઝ માટે નક્કી કરાયેલી આ વૉર ડ્રામા ફિલ્મ હજુ પણ અટવાયેલી છે. જોકે નિર્માતાઓએ ફિલ્મનું સત્તાવાર મોશન પોસ્ટર અને ટીઝર જાહેર કરી દીધું છે, પરંતુ ભૂરાજકીય મુદ્દાઓ ઉકેલાયા બાદ જ ફિલ્મને સેન્સર બોર્ડમાં સત્તાવાર રીતે જમા કરવામાં આવશે.
અપૂર્વ લાખિયાના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ સંતોષ બાબુની ભૂમિકામાં છે અને ચિત્રાંગદા સિંહ તેમની પત્નીની ભૂમિકામાં છે. ‘માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ’માં મુકેશ ઋષિ, અંકુર ભાટિયા, અભિલાષ ચૌધરી, અભિશ્રી સેન, જેન શૉ, જાવેદ ખાન અને વિપિન ભારદ્વાજ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.
આ દરમિયાન સલમાન ખાન તાજેતરમાં અરબી ફિલ્મ ‘7 ડૉગ્સ’માં કેમિયો કરતો જોવા મળ્યો હતો, જેમાં સંજય દત્ત પણ છે. સલમાન હાલમાં રિયાલિટી શો ‘બિગ બૉસ 20’ હોસ્ટ કરી રહ્યો છે, જેનું પ્રીમિયર 6 સપ્ટેમ્બરે થયું હતું.