હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સંગીતના જૂના અને નવા યુગ વિશે ચર્ચા અવારનવાર થતી રહે છે. જ્યાં એક તરફ જૂના ગીતોની મધુરતા અને ગાયકોની આગવી ઓળખ આજે પણ લોકોના દિલમાં વસે છે, તો બીજી તરફ વર્તમાન સંગીતની એકરૂપતા અને ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં જ પ્રખ્યાત ગીતકાર સમીરે આ વિષય પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આજકાલ લગભગ દરેક ગાયક અરિજિત સિંહની જેમ ગાવાનો પ્રયાસ કરી રહ્યો છે.
'સમીર કા સફરનામા' પોડકાસ્ટનો વાયરલ વિડીયો અને ચર્ચા
ગીતકાર સમીરે તેમના પોડકાસ્ટ "સમીર કા સફરનામા" દરમિયાન હિન્દી ફિલ્મ સંગીતના સોનેરી ભૂતકાળને યાદ કર્યો હતો. આ વાતચીત દરમિયાન પ્રખ્યાત પ્લેબેક ગાયક જાવેદ અલી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમીરે ચર્ચામાં જણાવ્યું કે ભૂતકાળના સમયમાં દરેક ગાયક, સંગીતકાર અને ગીતકારની પોતાની એક વિશિષ્ટ અને અલગ ઓળખ હતી, જે આજે ઉદ્યોગમાંથી ક્યાંક ખોવાઈ ગઈ છે.
"આજકાલ દરેક વ્યક્તિ અરિજિત સિંહની જેમ ગાય છે"
સમીરે આજના ગાયકોની શૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અગાઉના દિગ્ગજોમાં જે મૌલિકતા જોવા મળતી હતી તે આજે અદૃશ્ય થઈ ગઈ છે. તેમણે ગાયક જાવેદ અલીના વખાણ કરતા કહ્યું કે, તમારા જેવા કલાકારો જ્યારે ગાય છે ત્યારે એક નવી તાજગી અનુભવાય છે, કારણ કે તમારા અવાજમાં એક અલગ શૈલી અને શાંતિ છે. બાકી આજકાલ તો એવું લાગે છે કે દરેક ગાયક અરિજિત સિંહની નકલ કરીને તેમની જ શૈલીમાં ગાઈ રહ્યો છે, જેના કારણે ગીતો પણ એક સરખા લાગે છે.
રેકોર્ડિંગ કલ્ચર અને લતા-કિશોરના દિવસોની યાદો
ગીતકારે વર્તમાન સમયના રેકોર્ડિંગ કલ્ચર પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે લતા મંગેશકર અને કિશોર કુમાર જેવા દિગ્ગજોના રેકોર્ડિંગના દિવસોને યાદ કરતા કહ્યું કે તે જમાનામાં કલાકારો સાથે બેસતા, ગીતોના શબ્દો પર ઊંડી ચર્ચા કરતા અને સાથે મળીને સંગીતમાં નવા પ્રયોગો કરવાની મજા જ અલગ હતી. જ્યારે આજના સમયમાં ગાયકને માત્ર સ્ટુડિયોમાં બોલાવવામાં આવે છે, ગીત રેકોર્ડ કરીને તે તરત જ ચાલ્યો જાય છે—જેમાં તે લાગણી કે જુસ્સો જોવા મળતો નથી.
આ પણ વાંચો : Box Office Collection : દિવાળીએ રામાયણની બોક્સ ઓફિસ પર ધૂમ! કરોડોની કમાણી સાથે આદિપુરુષને ચટાડી ધૂળ