પોતાના શાનદાર અભિનય અને સ્પષ્ટ વક્તા અંદાજ માટે જાણીતા પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ ફરી એકવાર ચર્ચામાં છે. લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી તેમની ફિલ્મ 'સતલુજ' ૩ જુલાઈના રોજ કોઈપણ પ્રકારની ધામધૂમ વિના શાંતિથી OTT પ્લેટફોર્મ 'Zee5' પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે, ચાહકો હજુ તો ફિલ્મ જોવાનું શરૂ કરે તે પહેલા જ, રિલીઝના માત્ર બે દિવસમાં તેને પ્લેટફોર્મ પરથી અચાનક હટાવી દેવામાં આવી છે. આ નિર્ણયથી ચાહકો ચોંકી ગયા છે.
સેન્સર બોર્ડના વિવાદ બાદ OTT પર થઈ હતી રિલીઝ
આ ફિલ્મ લાંબા સમયથી સેન્સર બોર્ડ (CBFC) ની કાતર અને વિવાદોના કારણે અટકેલી હતી. સેન્સર બોર્ડે તેમાં અનેક કટ લગાવવાની માંગ કરી હતી, જેના કારણે વર્ષો સુધી તેનું સર્ટિફિકેટ લટકેલું રહ્યું. આખરે થિયેટરને બદલે તેને સીધી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હતો. ફિલ્મ અચાનક હટી જવા અંગે OTT પ્લેટફોર્મ Zee5 એ જણાવ્યું છે કે, તેઓ આ ફિલ્મને ફરીથી સ્ટ્રીમ કરવા માટે કાનૂની માર્ગ અપનાવશે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ફરી લાવવામાં આવી શકે છે.
ફિલ્મ હટવા પર દિલજીત દોસાંઝે શું કહ્યું?
આ આખા વિવાદ વચ્ચે દિલજીત દોસાંઝની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. દિલજીતે ફિલ્મની એક ક્લિપનો સ્ક્રીનશોટ શેર કરતા ચાહકોને અપીલ કરી હતી કે, "આ આધુનિક સમયની એક શાનદાર ફિલ્મ છે. પ્રતિબંધિત થાય તે પહેલાં, શક્ય તેટલી વહેલી તકે આ ફિલ્મ અને ખાસ કરીને સવિન્દર પાલ વિક્કીનો અભિનય જોઈ લો."
ભલે ફિલ્મ હટાવાઈ મને ચિંતા નથી, દિલજીત
દિલજીતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ ટેન્શનમુક્ત દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું, "હવે કોઈ ચિંતાની વાત નથી. જો પ્લેટફોર્મ પરથી ફિલ્મ દૂર થઈ ગઈ હોય, તો તેને રહેવા દો. લોકોએ તેને પહેલાથી જ ઓનલાઈન ડાઉનલોડ કરી લીધી છે. હું પહેલા ચિંતિત હતો, પણ હવે આરામથી બેઠો છું." દિલજીત દોસાંઝ અનેક વખત વિવાદોમાં જોવા મળ્યા છે. આ ફિલ્મ બાદ ફરી ગાયક સમાચારોની હેડલાઈન બન્યા છે.
શું છે ફિલ્મ 'સતલુજ' ની વાર્તા?
આ ફિલ્મ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ પંજાબના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા ના જીવન પર આધારિત એક બાયોગ્રાફિકલ ક્રાઈમ ડ્રામા છે. ફિલ્મમાં દિલજીત દોસાંઝે જસવંત સિંહનું મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ વાર્તા 1980 અને 1990 ના દાયકા દરમિયાન પંજાબમાં થયેલા કથિત નકલી એન્કાઉન્ટર્સ પાછળના કાળા સચ્ચાઈને ઉજાગર કરે છે, જેના કારણે આ વિવાદ સર્જાયો છે.