ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાવ પોલીસ સ્ટેશનમાં જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે અને અન્ય 12 લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એક સ્થાનિક રહેવાસીની ફરિયાદના આધારે નોંધાયો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રોકાણ યોજનાના નામે ગામલોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

મોહલ્લા મિશ્રાના રહેવાસી

ફરિયાદી, જે મોહલ્લા મિશ્રાના રહેવાસી છે, તેમના જણાવ્યા મુજબ શહેરમાં આવેલી મુંબઈ બેંક શાખા મારફતે એક ખાસ રોકાણ યોજના ચલાવવામાં આવી હતી. આ યોજનામાં ઊંચા નફાની લાલચ આપી ગ્રામજનોને પૈસા રોકાણ કરવા પ્રેરવામાં આવ્યા હતા. આરોપ છે કે યોજના હેઠળ મોટી રકમ એકત્રિત કરવામાં આવી અને બાદમાં રોકાણકારોને યોગ્ય રીતે પાછા આપવામાં આવ્યા નથી

મામલો કોર્ટ સુધી પહોંચ્યો

ફરિયાદ દાખલ થયા બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના આદેશ પછી ભોગાવ પોલીસે સત્તાવાર રીતે FIR નોંધાવી અને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તમામ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરવામાં આવશે. જો આરોપ સાચા સાબિત થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

બોલિવૂડ અને મરાઠી ફિલ્મ

શ્રેયસ તલપડે બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા છે. તેઓ 2005માં આવેલી ફિલ્મ ઇકબાલ દ્વારા ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. ત્યારબાદ તેમણે ઓમ શાંતિ ઓમ, ગોલમાલ જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ અભિનેતા ઉપરાંત દિગ્દર્શક અને નિર્માતા તરીકે પણ કાર્યરત રહ્યા છે. તાજેતરમાં તેઓ આઝાદ ભારત ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભૂમિકા ભજવી હતી. તેમના વિરુદ્ધ નોંધાયેલા આ કેસને કારણે ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે. આ મામલો આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.


  • Follow us on: