સમગ્ર બિહારમાં ભીષણ પૂરની સ્થિતિને પગલે ભારે તારાજી સર્જાઇ છે. મોટી સંખ્યામાં બિહારના પરિવારો ઘરવિહોણા થયા છે. આવા મુશ્કેલ સમયમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ બિહારના પૂરગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે પૂરથી અસરગ્રસ્ત લોકોની સ્થિતિ અંગે વાત કરી અને રાહત સામગ્રી પહોંચાડવાની વાત કહી છે. સાથે જ તેમણે સરકારને પણ બિહારના લોકોનું જીવન ફરી સામાન્ય બનાવવા માટે આગળ આવવાની અપીલ કરી છે.
બિહારના પૂર અંગે શું બોલ્યા સોનુ સૂદ?
સોનુ સૂદે બિહારની હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, 'પૂરના કારણે બિહાર અત્યારે ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. હું પહેલાં પણ દેશના અલગ-અલગ ભાગોમાંથી બિહાર માટે રાહત સામગ્રી મોકલી ચૂક્યો છું. અમે આવતીકાલે સવારથી તેનું વિતરણ શરૂ કરીશું.' અભિનેતાએ જણાવ્યું કે તેઓ પોતાની ટીમ સાથે પૂરથી અસરગ્રસ્ત લોકો સુધી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મુશ્કેલ સમયમાં લોકોને માત્ર તાત્કાલિક મદદ જ નહીં, પરંતુ લાંબા સમય સુધી સહયોગની પણ જરૂર પડશે.
