સીબીઆઈએ તાજેતરમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના કેસમાં એફઆઈઆર નોંધાવી છે. આ FIR ને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે. આ કેસમાં સૂરજ પંચોલીનું પણ નામ જોડાઇ રહ્યું છે. જેને લઇને અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને ખુલાસો કર્યો છે. સૂરજ પંચોલીએ દિશા અથવા શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેને ક્યારેય મળ્યા હોવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેની પાસે છુપાવવા માટે કંઈ નથી.
દિશા સાલિયાન વિશે શું બોલ્યો સૂરજ?
સૂરજ પંચોલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેસ સાથે પોતાનું નામ જોડતા અહેવાલો અને નિવેદનો વિશે વાત કરી છે. તેણે કહ્યું કે તેણે બોલવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે તેને લાગ્યું કે કેટલીક હકીકતો સૌની સામે મૂકવી જરૂરી છે.
સૂરજે લખ્યું, "છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ મીડિયા અહેવાલો અને નિવેદનો દ્વારા દિવંગત દિશા સાલિયાનના દુઃખદ મૃત્યુ સાથે જોડાયેલા વિવાદમાં મારું નામ ખેંચવામાં આવી રહ્યું છે."
આ પછી અભિનેતાએ લખ્યું, "હું આ વાત ખૂબ સ્પષ્ટપણે કહેવા માગું છું. હું મારા જીવનમાં ક્યારેય દિવંગત દિશા સાલિયાનને ન તો સીધી રીતે મળ્યો છું અને ન તો કોઈ અન્ય રીતે. હું મારા જીવનમાં ક્યારેય આદિત્ય ઠાકરેને પણ મળ્યો નથી."
https://www.instagram.com/p/DdRmc0siP-F/?utm_source=ig_web_button_share_sheet
સૂરજનું નિવેદન સીબીઆઈ અને પોલીસ પહેલેથી નોંધી ચૂકી છે
સૂરજે તપાસ એજન્સીઓ દ્વારા અગાઉ કરવામાં આવેલી પૂછપરછ વિશે પણ વાત કરી. તેણે લખ્યું, "મારી પાસે છુપાવવા માટે કંઈ નથી." તેણે કહ્યું કે જો કોઈ એજન્સીને તેની પાસેથી વધુ માહિતી જોઈએ અથવા તેઓ તેને અન્ય કોઈ તપાસમાં સામેલ કરવા માગે, તો તે સહયોગ આપવા માટે તૈયાર છે.
અભિનેતાએ કહ્યું કે શરૂઆતમાં તેણે પોતાના વિશે લખાયેલા દરેક અહેવાલ કે સમાચાર પર પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, દિશાના મૃત્યુના કેસમાં વારંવાર તેનું નામ સામે આવતું હોવાથી તેને લાગ્યું કે હવે આ મામલે જાહેરમાં વાત કરવાનો સમય આવી ગયો છે.
‘પુરાવા વિના મારું નામ કેસ સાથે જોડવું ખોટું છે’
સૂરજે કેસ સાથે વારંવાર પોતાનું નામ જોડવામાં આવવાને "ખોટું અને પરેશાન કરનારું" ગણાવ્યું છે. તેણે લોકોને અપીલ કરી કે તેના કથિત રીતે સામેલ હોવા અંગે કોઈ પણ દાવો કરતા પહેલાં હકીકતોની તપાસ કરે.
અભિનેતાએ અધિકારીઓને આ ઘટનાને લઈને ચાલી રહેલા "દુર્ભાવનાપૂર્ણ પ્રચાર અને ખોટી વાતો"ની તપાસ કરવાની પણ માંગ કરી છે. તેણે ભારપૂર્વક કહ્યું કે એક વ્યક્તિનું મૃત્યુ કોઈ પુરાવા વિના અન્ય વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કારણ ન બનવું જોઈએ. સૂરજે કહ્યું, "હેડલાઇન કોઈ પુરાવો નથી. ચર્ચા કોઈ પુરાવો નથી."
પોતાની વાત પૂરી કરતા તેણે કહ્યું કે તેને કાયદા અને તપાસ એજન્સીઓ પર વિશ્વાસ છે અને તેને વિશ્વાસ છે કે સત્ય આખરે સામે આવશે.