બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલીનું નામ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સામે આવ્યું હતું. આ કેસને કારણે તેમને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી અને થોડો સમય જેલમાં પણ રહેવું પડ્યું હતું. વર્ષ 2023માં સ્પેશિયલ CBI કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમ છતાં આજે પણ કેટલાક લોકો તેને આ કેસ સાથે જોડીને જુએ છે. હવે સૂરજ પંચોલીએ આ મુદ્દે પોતાની વાત જાહેર કરી છે.
સોશિયલ મીડિયા પર શેર કરી લાંબી નોટ
સૂરજ પંચોલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શેર કરીને લખ્યું કે તેઓ તમામ મીડિયા પેજને પૂછવા માગે છે કે જિયા ખાન કેસમાં એવો કયો પ્રશ્ન બાકી છે જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. તેણે કહ્યું કે કોઈ પણ માહિતી રજૂ કરતા પહેલા તથ્યોની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. તેણે લખ્યું કે આ કેસ દરમિયાન તેમણે 14 વર્ષ સુધી કોર્ટમાં લડત લડી હતી. આખો નિર્ણય કાયદા અને પુરાવાના આધારે આવ્યો હતો. કોર્ટ દ્વારા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને કાનૂની કાર્યવાહી દરમિયાન કોઈ પણ સવાલ અધૂરો રહ્યો નહોતો.
લોકોને તથ્યો તપાસવાની અપીલ
સૂરજે કહ્યું કે જો કોઈને હજુ પણ શંકા હોય તો કેસના તમામ રેકોર્ડ અને કોર્ટની કાર્યવાહી જાહેરમાં ઉપલબ્ધ છે. કોઈ પણ અભિપ્રાય બનાવતા પહેલા લોકો તથ્યો તપાસી શકે છે. તેણે જણાવ્યું કે જ્યારે આ દુઃખદ ઘટના બની ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષ હતી. તે જિયાને મળ્યો હતો તેને માત્ર 4 મહિના જ થયા હતા. તે સમયે જિયા માનસિક રીતે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી તેની તેને કોઈ જાણકારી નહોતી. તેણે સ્વીકાર્યું કે તે ઉંમરે તેઓ આ બધું સમજવા માટે ખૂબ નાનો હતો. આ ઘટનાએ તેમનું આખું જીવન બદલી નાખ્યું.
14 વર્ષ સુધી પોતાની નિર્દોષતા સાબિત કરી
સૂરજે લખ્યું કે તેમણે પોતાના જીવનના 14 વર્ષ પોતાને નિર્દોષ સાબિત કરવામાં પસાર કર્યા. આ સમય તેમના કરિયર બનાવવા માટેનો હતો, પરંતુ તેના બદલે તે કોર્ટના કેસમાં વ્યસ્ત રહ્યો. તેના 20ના દાયકાનો મોટાભાગનો સમય અને 30ના દાયકાનો અડધાથી વધુ સમય આ કેસમાં જ પસાર થયો. તેણે કહ્યું કે તેના મનમાં દરરોજ શું ચાલતું હતું તે માત્ર તે જ જાણતો હતો. તેને ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ હતો અને આખરે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો. છતાં પણ જો કેટલાક લોકો તેમને દોષિત માને છે તો તેઓ તેના વિશે વધુ કંઈ કરી શકતા નથી.
https://www.instagram.com/p/Dbh5kITMEwi/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
જિયાની પ્રાઇવસીનું રાખ્યું સન્માન
સૂરજ પંચોલીએ અંતમાં કહ્યું કે તેણે હંમેશા જિયાની પ્રાઇવસીનું સન્માન કર્યું છે. તેથી તેણે ક્યારેય જાહેરમાં જિયાના વ્યક્તિગત જીવન અથવા તે જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી તેના વિશે વાત કરી નથી. તેણે કહ્યું કે બદલામાં તે માત્ર સત્ય અને સન્માન ઇચ્છતો હતો. ઘણા લોકો માટે આ માત્ર એક સ્ટોરી અથવા હેડલાઇન હોઈ શકે, પરંતુ તેના માટે આ આખું જીવન હતું. બેદરકારીથી લખાયેલી હેડલાઇન, ગેરમાર્ગે દોરતો વીડિયો અથવા ખોટી માહિતી ફરીથી જૂના ઘા તાજા કરી દે છે. અંતમાં તેણે મીડિયાને અપીલ કરી કે જો તેની કહાની કહેવી હોય તો સંપૂર્ણ સત્ય સાથે, સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક રજૂ કરવી જોઈએ.
આ પણ વાંચો-20 કરોડના બજેટમાં બનેલી Shehnaaz Gillની ફિલ્મે રચ્યો ઈતિહાસ! બની 2026ની ચોથી હાઈએસ્ટ ગ્રોસિંગ પંજાબી ફિલ્મ!