અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. ફિલ્મના આ પહેલા જ પોસ્ટરમાં રાજકુમાર રાવ ક્રિકેટના મક્કા ગણાતા 'લોર્ડ્સ' સ્ટેડિયમની બાલ્કનીમાં ઊભેલા જોવા મળે છે. બ્લુ ક્રિકેટ ટ્રાઉઝર પહેરીને તેઓ હાથમાં ટીમ ઈન્ડિયાની જર્સી લહેરાવી રહ્યા છે. આ લુક વર્ષ ૨૦૦૨ની એ ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે, જ્યારે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ લોર્ડ્સની બાલ્કનીમાં શર્ટ ઉતારીને હવામાં લહેરાવ્યું હતું. ગાંગુલીની આ અનોખી સ્ટાઈલ ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર પળોમાંની એક છે. આ શાનદાર પોસ્ટર સાથે ફિલ્મનું ટાઈટલ 'દાદા' જાહેર કરવામાં આવ્યું છે.

રાજકુમાર રાવની ફિલ્મ 'દાદા'ની ખાસિયત?

'દાદા' એ ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ અને આક્રમક કેપ્ટન ગણાતા સૌરવ ગાંગુલીની બાયોપિક (Biopic) છે. આ ફિલ્મમાં તેમના બાળપણના દિવસોથી શરૂ કરીને ભારતીય ટીમના કેપ્ટન બનવા, ટીમ ઇન્ડિયાને એક નવો આક્રમક અંદાજ આપવા અને તેમના કરિયરના ઉતાર-ચઢાવ સહિતની રોમાંચક સફરને મોટા પડદા પર કંડારવામાં આવશે. રાજકુમાર રાવના કરિયરની આ પહેલી એવી ફિલ્મ છે જેમાં તેઓ એક ક્રિકેટરના રોલમાં જોવા મળશે. સૌરવ ગાંગુલીની બોડી લેંગ્વેજ અને તેમનો લુક અપનાવવા માટે રાજકુમારે ભારે મહેનત કરી હોવાના અહેવાલો છે.

પોસ્ટર રિલીઝ થતા જ ટ્રોલર્સના નિશાના પર આવ્યા રાજકુમાર

એક તરફ જ્યાં રાજકુમાર રાવના ચાહકો આ બાયોપિકને લઈને ભારે ઉત્સાહિત છે, ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર આ લુકને લઈને ટ્રોલિંગ પણ શરૂ થઈ ગયું છે. નેટીઝન્સનો એક મોટો વર્ગ રાજકુમાર રાવને સૌરવ ગાંગુલીના રોલ માટે યોગ્ય માની રહ્યો નથી. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, "શું મજાક છે! ચેટ જીપીટી (ChatGPT) આના કરતાં વધુ સારું પોસ્ટર એડિટ કરી શક્યું હોત." જ્યારે બીજા એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા લખ્યું, "ના ભાઈ, આ રોલ માટે કોઈ બીજો એક્ટર લાયક હતો, તમે નહીં." અન્ય એક યુઝરે આક્ષેપ કર્યો કે પોસ્ટર સાવ નકલી અને ફોટોશોપ કરેલું લાગે છે.

'દાદા'નું પોસ્ટર સોશિયલ મીડિયામાં વિવાદ

સૌરવ ગાંગુલી પર દાદા ફિલ્મની ટેગલાઇન છે: "તેમણે માત્ર રમ્યું જ નહીં, તેમણે રમત બદલી નાખી." પોસ્ટર અનુસાર, આ બહુપ્રતિક્ષિત ફિલ્મ ૧૪ મે, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે.જો કે ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટથી વિવાદ ઉઠ્યો છે. સોશિયલ મીડિયા યુર્ઝસે મીમ્સ શેર કરીને એવી પણ માંગ કરી છે કે આ પોસ્ટર બદલવું જોઈએ, કારણ કે એવું લાગે છે કે કોઈએ ગઈકાલે જ ફોટોશોપ શીખીને આ પોસ્ટર બનાવ્યું હોય! જોકે, આ બધાની વચ્ચે રાજકુમારના સપોર્ટર્સનું કહેવું છે કે માત્ર એક પોસ્ટર જોઈને કોઈના અભિનયનું મૂલ્યાંકન કરવું ઉતાવળ ગણાશે. હવે ફેન્સ અને ટ્રોલર્સ બંનેની નજર ફિલ્મના ટીઝર પર ટકેલી છે.


આ પણ વાંચો :