ફિટનેસ આઈકોન અને સુપરમોડેલ મિલિંદ સોમન તેની ફિલ્મો કરતાં વધુ પોતાની પર્સનલ લાઈફ અને નીડર નિવેદનો માટે જાણીતા છે. તાજેતરમાં એક મુલાકાત દરમિયાન, મિલિંદે પોતાની પત્ની અંકિતા કોંવર સાથેના વય તફાવતને કારણે થયેલા ટ્રોલિંગ અને વર્ષો પહેલાના ચકચારી ન્યૂડ ફોટોશૂટ વિશે ખુલીને વાત કરી છે.
ટ્રોલિંગનો અંકિતા પર પ્રભાવ અને મિલિંદનો ટેકો
મિલિંદ સોમન અને અંકિતા કોંવર વચ્ચે 26 વર્ષનો તફાવત છે. જ્યારે તેઓએ લગ્ન કર્યા, ત્યારે સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. મિલિંદે જણાવ્યું કે, "ટ્રોલિંગની મારા પર ક્યારેય કોઈ અસર થઈ નથી, પરંતુ અંકિતા માટે આ અનુભવ નવો અને મર્યાદિત હતો, તેથી તે શરૂઆતમાં પ્રભાવિત થઈ હતી."
ટ્રોલ કરનારાઓના અભિપ્રાયને લઇને અંકિતાને સમજાવી
મિલિંદે અંકિતાને સમજાવ્યું કે ટ્રોલ કરનારા લોકો તેમને અંગત રીતે ઓળખતા નથી, તેથી તેમનો અભિપ્રાય મહત્વનો નથી. મિલિંદે ગર્વ સાથે ઉમેર્યું કે અંકિતા આ વાત ખૂબ જ ઝડપથી સમજી ગઈ અને આજે તેમના સંબંધોને 13 વર્ષ (ડેટિંગ સહિત) વીતી ગયા છે. હવે લોકો પણ તેમના આ મજબૂત સંબંધને સ્વીકારતા થયા છે.
1995નું વિવાદાસ્પદ ફોટોશૂટ
વાતચીત દરમિયાન મિલિંદે 1995ના તે વિવાદાસ્પદ ફોટોશૂટને પણ યાદ કર્યું જેના કારણે તેને કોર્ટના ધક્કા ખાવા પડ્યા હતા. મિલિંદે સ્પષ્ટ કર્યું કે તેને તે ફોટોશૂટથી ક્યારેય કોઈ તકલીફ નહોતી. તેણે કહ્યું, "હું ત્યારે 30 વર્ષનો હતો અને મેં અગાઉ પણ ન્યૂડ મોડેલિંગ કર્યું હતું, પરંતુ આ વખતે હોબાળો એટલે થયો કારણ કે તેમાં એક સ્ત્રી મોડેલ પણ સામેલ હતી."
મિલિંદે ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી દેશોના કાયદા વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, અમેરિકામાં નગ્ન ફરવું એ ધરપકડનું કારણ બની શકે છે, પરંતુ ભારતમાં નગ્નતા એ સ્વાભાવિક રીતે ગુનો નથી. આપણા દેશમાં લોકો વિવિધ ધાર્મિક કે સાંસ્કૃતિક કારણોસર નગ્ન રહે છે અને તે આપણી પરંપરાનો એક ભાગ રહ્યો છે. મિલિંદના મતે, આ મુદ્દો કલા વિરુદ્ધ અશ્લીલતાનો નહોતો, પરંતુ લોકો તેને જોવાની દ્રષ્ટિમાં ગેરસમજ કરી રહ્યા હતા.
