મુંબઈના પોશ ગણાતા જુહુ વિસ્તારમાં રવિવારે સાંજે બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની BMW કાર પર થયેલા અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ફૂટબોલ મેચ રમીને પરત ફરી રહેલા ટાઈગર શ્રોફ આ હુમલામાં આબાદ બચી ગયા છે, પરંતુ તેમના ડ્રાઈવર સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સનસનાટીપૂર્ણ ઘટના બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વિધાન પરિષદના સભ્ય (MLC) જીશાન સિદ્દીકીએ મુંબઈની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવતા રાજ્ય સરકાર સામે આક્રોશ ઠાલવ્યો છે.
હું પણ નિશાન પર": જીશાન સિદ્દીકીનો સરકારને સણસણતો સવાલ
અભિનેતા પર થયેલા જીવલેણ હુમલા બાદ જીશાન સિદ્દીકીએ પોતાની સુરક્ષાને લઈને સરકારની ઉદાસીનતા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે કે, "છેલ્લા ૨ મહિનામાં મને અલગ-અલગ માધ્યમો દ્વારા ૪ વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ અંગે વારંવાર જાણ કરવા છતાં પણ મારી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.તેમણે ગુસ્સા સાથે સવાલ કર્યો કે, "શું સરકાર મારી સુરક્ષા વધારવા માટે મારા પર કોઈ મોટો હુમલો થાય તેની રાહ જોઈ રહી છે? શું મને પણ ગોળી વાગી ગયા પછી જ તંત્ર જાગશે?" જીશાને ઉમેર્યું કે મુંબઈને સપનાઓનું શહેર કહેવામાં આવે છે, પરંતુ આજે અહીં લોકપ્રતિનિધિઓ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓ પણ સુરક્ષિત નથી. જો હાઈ-પ્રોફાઈલ લોકો જ ભયના ઓથાર હેઠળ જીવતા હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાની ગેરંટી કોણ લેશે? તેમણે આ સમગ્ર ઘટનાને ગુપ્તચર તંત્ર (Intelligence Failure) ની ઘોર નિષ્ફળતા ગણાવી છે.
https://x.com/ANI/status/2111863569088389384?s=20
પિતા બાબા સિદ્દીકીની હત્યાનો ઉલ્લેખ અને ન્યાયની પોકાર
પોતાના પિતા અને દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની ઘાતકી હત્યાનો ઉલ્લેખ કરતા જીશાન ભાવુક અને આક્રમક દેખાયા હતા. તેમણે જણાવ્યું કે તેમનો પરિવાર હજી પણ ન્યાય મેળવવા માટે દર-દર ભટકી રહ્યો છે. જો પિતાની હત્યા પાછળ કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હતો, તો તેની પાછળના અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે તે હજુ સુધી કેમ બહાર આવ્યું નથી?જીશાને ખુલાસો કર્યો કે લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને ભારત લાવવા અને તેની કસ્ટડી મેળવવા માટે તેમના પરિવારે અમેરિકા સરકારની પણ મદદ માંગી છે. જોકે, તેમણે ભારોભાર નારાજગી વ્યક્ત કરી કે મુંબઈ પોલીસ હજુ સુધી અનમોલ બિશ્નોઈની પૂછપરછ કરી શકી નથી. આ સાથે જ તેમણે ગુજરાતની જેલમાં બંધ મુખ્ય આરોપી લૉરેન્સ બિશ્નોઈની સઘન પૂછપરછ કરવાની પણ ઉગ્ર માંગ કરી છે.
https://x.com/ANI/status/2111862495686369495?s=20
ટાઈગર શ્રોફ પર હુમલો અને બિશ્નોઈ ગેંગનું કનેક્શન?
જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક શંકાસ્પદ પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરાયો છે. જોકે, મુંબઈ પોલીસે હજુ સુધી આ સોશિયલ મીડિયા પોસ્ટની સત્તાવાર પુષ્ટિ કે પ્રામાણિકતા જાહેર કરી નથી.હાલમાં મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમો ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હુમલાખોરોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બોલિવૂડ અને રાજકારણના આ હાઈ-પ્રોફાઈલ નેક્સસ પર થયેલા હુમલાથી આર્થિક નગરી મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા રેઢિયાળ સાબિત થઈ રહી હોવાના વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો - India News : બોલિવૂડમાં ફરી ગેંગવોર કે ટાર્ગેટ ફાયરિંગ? મુંબઈમાં ટાઇગર શ્રોફની કાર પર હુમલો, CJP નેતા અભિજીત દીપકેના સરકારને ઘેરી