બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર 18 ઓક્ટોબર, રવિવારની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. અભિનેતા પોતાની કારમાં હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત હોવાનું જણાવાયું છે, જ્યારે તેમના ડ્રાઇવર અને નજીકમાં હાજર એક ઓટોરિક્ષા ચાલક ઘાયલ થયા હતા.
હવે આ કેસમાં મંબઇ પોલીસે ક્રાઇમ બ્રાંચને તપાસ સોરી છે. આ દરમિયાન મુંબઈ પોલીસે તપાસ તેજ કરી છે અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ પણ કબજે કરી છે. હવે મોટરસાઇકલની નંબર પ્લેટના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફાયરિંગમાં વપરાયેલી મોટરસાઇકલ મળી
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના જુહુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પુષ્પા પાર્ક નજીક બની હતી. અજાણ્યા હુમલાખોરોએ અભિનેતા અને તેમના મિત્રની નજીક અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કાર પર ગોળીબાર કરતો દેખાય છે.
પોલીસે આરોપીઓને પકડવા માટે 15 ટીમો બનાવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ગોળીઓ સંબંધિત પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ મોટરસાઇકલની નંબર પ્લેટના આધારે આરોપીઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
ટાઇગર શ્રોફના ડ્રાઇવર અને ઓટોરિક્ષા ચાલક ઘાયલ
આ ફાયરિંગની ઘટનામાં ટાઇગર શ્રોફને ઈજા થઈ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, તેમના ડ્રાઇવર ફિરદૌસના ડાબા હાથમાં ઈજા થઈ હતી. નજીકમાં હાજર ઓટોરિક્ષા ચાલક ચૌહાણ પણ ઘાયલ થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેની સ્થિતિ જોખમથી બહાર છે.
ટાઇગર શ્રોફના પિતા અને જાણીતા અભિનેતા જેકી શ્રોફે પણ પુત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ટાઇગર પોલીસની તપાસમાં સહકાર આપી રહ્યા છે.
સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારાઈ
આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનો દાવો કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. જોકે, મુંબઈ પોલીસે આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ દાવાને પગલે ફરી એકવાર બોલિવૂડ કલાકારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા પણ વધારી છે. અગાઉ પણ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાન ખાનને ધમકીઓ આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા.
મુખ્યમંત્રીએ તપાસ અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું
આ ઘટનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોલીસ કમિશનર અને ટાઇગર શ્રોફ સાથે વાત કરી હતી. તેમણે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. એકનાથ શિંદેએ પણ ટાઇગર શ્રોફ સાથે મુલાકાત કરી છે.
બીજી તરફ, વિપક્ષી પક્ષોએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે અને સરકારની ટીકા કરી છે. ટાઇગર શ્રોફ ‘હીરોપંતી’, ‘બાગી’ અને ‘વૉર’ જેવી એક્શન ફિલ્મો માટે જાણીતા છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આરોપીઓની ઓળખ અને ફાયરિંગ પાછળનો હેતુ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.