એક્ટર ટાઈગર શ્રોફ પર 18 ઓક્ટોબરના રોજ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગમાં એક્ટર આબાદ બચી ગયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા – એક ટાઈગરના ડ્રાઈવર અને બીજા તેમના ફેન ઉમેશ ચૌહાણ. ટાઈગર શ્રોફ પર થયેલા આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. આ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને પોલીસે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે જુહૂમાં બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ કર્યા બાદ શૂટર્સે કઈ રીતે ભાગવાનો પ્લાન બનાવ્યો હતો.

આ રીતે બનાવ્યો હતો ભાગવાનો પ્લાન

શૂટર્સનો અસલી પ્લાન સુરતથી દિલ્હી બસ દ્વારા જવાનો અને ત્યારબાદ બોર્ડર પાર કરીને નેપાળ ભાગી જવાનો હતો. જોકે, તેમનો પ્લાન A નિષ્ફળ ગયો કારણ કે દિલ્હી જતી બસ ઉપડી ગયા બાદ તેઓ બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા. પ્લાન A ફેલ થયા પછી, કથિત માસ્ટરમાઇન્ડ અનિલ પંડિતે પ્લાન B એક્ટિવેટ કર્યો અને આરોપી અંકિત ખટકના માધ્યમથી શૂટર્સને VoIP કોલ દ્વારા નવી સૂચનાઓ મોકલી આપી.

સુરતથી ટ્રેન પકડી અને હથિયારો છુપાવ્યા

ત્રણેય શૂટર્સ – ફૂલ સિંહ, રેહાન અન્સારી અને રિતિક કુમાર – કથિત રીતે એક ઓટો-રિક્ષા પકડીને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા અને વહેલી સવારે આશરે 1:33 વાગ્યે પુણે-જયપુર એક્સપ્રેસમાં સવાર થઈ ગયા. ટ્રેનમાં ચઢતાં પહેલાં, તેમણે ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલા બે હથિયારો અને કારતૂસ સુરત બસ સ્ટેન્ડ નજીક એક ખુલ્લી જગ્યામાં છુપાવી દીધા હતા, કારણ કે તેમને ટ્રેન મુસાફરી દરમિયાન પોલીસ ચેકિંગનો ડર હતો.

પ્લાન B અને ક્રાઈમ બ્રાન્ચની રડાર

પ્લાન B હેઠળ, શૂટર્સને જયપુરના મુખ્ય સ્ટેશને પહોંચતાં પહેલાં જ બહારના વિસ્તારમાં ટ્રેનમાંથી ઉતરી જવાની સૂચના આપવામાં આવી હતી. તેમનો પ્લાન રેલવે ટ્રેક છોડીને, બસ કે ટેક્સીની વ્યવસ્થા કરીને સડક માર્ગે દિલ્હી તરફ આગળ વધવાનો હતો, અને ત્યાર પછી બોર્ડર પાર કરીને નેપાળ પહોંચવાનો હતો. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ દ્વારા તેમની તમામ હિલચાલ પર સતત નજર રાખી હતી.

આ પણ વાંચો-Ramayana Advance Booking : ધડાધડ વેચાઈ રહી છે રામાયણની ટિકિટો, કરી 10 કરોડની કમાણી