ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય કોમેડી શો "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" છેલ્લા ૧૮ વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આ શોના દરેક પાત્ર સાથે લોકોનો એક અતૂટ નાતો બંધાઈ ગયો છે. ખાસ કરીને દિલીપ જોશી ઉર્ફે આપણા 'જેઠાલાલ'. જેઠાલાલના અનોખા અંદાજ અને કોમિક ટાઈમિંગ વિના આ શોની કલ્પના કરવી પણ અશક્ય છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર વહેતા થયા હતા, જેણે ચાહકોના શ્વાસ અધ્ધર કરી દીધા. વાયરલ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, દિલીપ જોશી હવે શોને અલવિદા કહી રહ્યા છે અને જેઠાલાલનું પાત્ર હંમેશા માટે ખતમ થઈ જશે. TMKOC શો જેઠાલાલ છોડવાની અફવા પર હવે મેકર્સે તોડયું મૌન.
શોના મેકર્સે અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું
જેઠાલાલના શો છોડવાના સમાચાર વાયુવેગે ફેલાતા જ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે, આ અફવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણી છે. શોના પ્રોડ્યુસર્સ અને મેકર્સે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આ અહેવાલોને નકારી કાઢ્યા છે. મેકર્સે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "આ બધી વાતો માત્ર અફવા છે. ૨૮ જુલાઈના રોજ અમે શોની ૧૮મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. વાર્તા હજુ પણ જેઠાલાલના પાત્રની આસપાસ જ ફરે છે અને નવો પ્રોમો પણ રિલીઝ કરી દેવાયો છે. જેઠાલાલનું પાત્ર ક્યાંય જઈ રહ્યું નથી." મેકર્સના આ નિવેદનથી દયાબેનના ગયા પછી જો જેઠાલાલ પણ શો છોડી દે, તો શોનો અંત જ આવી જાય - આવી ચિંતામાં ડૂબેલા ફેન્સ માટે હવે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે.
