વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ હૈ જવાની તો ઈશ્ક હોના હૈને લઈને અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે. વરુણ ધવને આ ફિલ્મની રિલીઝ પહેલા જ ફેન્સની આતુરતા વધારવા માટે સેટ પરથી એક ખાસ બિહાઈન્ડ ધ સીન (BTS) વીડિયો શેર કર્યો છે.

સલમાન સામે ડાન્સ કરતાં વરુણ નર્વસ

આ વીડિયો વરુણના નવા ગીત વ્યાહ કરવા દો જીના શૂટિંગ સમયનો છે, પરંતુ તેની ખાસ વાત એ છે કે તેમાં સુપરસ્ટાર સલમાન ખાન પણ જોવા મળી રહ્યો છે. વરુણ ડઝનબંધ ડાન્સર્સની ટીમ સાથે સલમાનની સામે ડાન્સ કરી રહ્યો છે. વીડિયો શેર કરતા વરુણે લખ્યું છે કે, ભારતના સૌથી મોટા કુંવારા સામે ડાન્સ કરતી વખતે હું હંમેશા નર્વસ થઈ જાઉં છું. વીડિયોમાં જ્યારે વરુણ પોતાનો શોટ પૂરો કરીને સલમાન પાસે જાય છે, ત્યારે ભાઈજાન મજાકમાં પૂછે છે, આ રિહર્સલ હતું કે ટેક (ફાઈનલ શૂટ)?


રિલીઝ થઈ ગયું છે ગીત

વ્યાહ કરવા દો જી ગીત બે દિવસ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતને મીકા સિંહ અને આસીસ કૌરે ગાયું છે. ગીતમાં વરુણ ધવન અને મૃણાલ ઠાકુર જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. સેટ પરના આ વીડિયોમાં ફિલ્મના નિર્દેશક ડેવિડ ધવન અને મનીષ પોલ પણ જોવા મળી રહ્યા છે.

ક્યારે રિલીઝ થશે હૈ જવાની તો ઈશ્ક હોના હૈ?

મેકર્સે થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર શેર કર્યું હતું, જેમાં બે AI બાળકો વરુણ ધવનને પોતાના પપ્પા કહેતા જોવા મળ્યા હતા. આ ટીઝર સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થયું છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, વરુણ, મૃણાલ અને પૂજા ઉપરાંત મૌની રોય, રોહિત સરાફ, જિમ્મી શેરગિલ, ચંકી પાંડે અને મનીષ પોલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 22 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો-Bhooth Bangla : દુનિયાભરમાં ભૂત બંગલાનો ખુમાર, માત્ર બે જ દિવસમાં અક્ષય કુમારની ફિલ્મે કરોડોનો આંકડો કર્યો પાર!

  • Follow us on: