ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજા વચ્ચે ફરીથી છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. એક અહેવાલ મુજબ, સુનિતાએ ગોવિંદાથી છૂટાછેડા માટે મુંબઈની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ બધી અફવાઓ વચ્ચે સ્ટાર પત્ની સુનિતા આહુજાએ ભાવનાત્મક અપીલ કરી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ બોલીવુડ અભિનેતા સાથેના તેના સંબંધો વિશે વાત કરીને કહ્યું હતું કે, તેને તેના કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકે નહીં. જોકે, સુનિતાએ એ પણ સ્વીકાર્યું કે તે તેના પતિની 90ના દાયકાની સુપરસ્ટાર શૈલીને યાદ કરે છે.
સુનિતા આહુજાનો વીડિયો વાયરલ
સુનિતા આહુજા વીડિયોમાં કહી રહી છે કે, 'ગોવિંદાને મારા જેવો કોઈ પ્રેમ કરી શકે નહીં. હું તેના વિશેની દરેક નાની-નાની વાત જાણું છું. તે ક્યારે ખાય છે, ક્યારે તેને કોલ્ડ્રીંકની જરૂર પડે છે, ક્યારે તેને એસિડિટી થાય છે હું બધું જ જાણું છું. ભલે કોઈ મને ગમે તેટલો પ્રેમ કરે પણ મારામાં એક આંતરિક પ્રેમ છે જે કોઈ મારા જેવો ગોવિંદાને પ્રેમ કરી શકે નહીં.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને ગોવિંદાનું કયું વર્ઝન ગમે છે ત્યારે સુનિતાએ ખુલાસો કર્યો કે તે 90ના દાયકાના સુપરસ્ટારને યાદ કરે છે. તેણીએ અપીલ કરતા કહ્યું હતું કે, ઓલ્ડ ગોવિંદા, પાછા આવો ગોવિંદા, તુ યાર મેરા ચી ચી તુ આજા બેક ચી ચી, આજા મેરે પાસ ચી ચી.'
આ વીડિયોમાં સુનિતાએ ગોવિંદાના ફિલ્મી કરિયર વિશે પણ વાત કરીને કહ્યું કે મને 90ના દાયકાનો ગોવિંદા ખૂબ ગમતો હતો. હું તે ગોવિંદા પાછો ઇચ્છું છું. વીડિયોમાં સુનિતા હાથ જોડીને કહે છે ગોવિંદા પાછા આવો. સુનિતાએ છૂટાછેડાની અફવાઓને ફગાવી દેતા પોતાની સગાઈની વીંટી પણ બતાવી હતી. તમને જણાવી દઈએ કે છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. જોકે, સુનિતાનો આ ઇન્ટરવ્યુ જૂનો લાગે છે.
ગોવિંદા અને સુનિતાના થશે છૂટાછેડા?
તમને જણાવી દઈએ કે, સુનિતા આહુજાએ હાલમાં જ ગોવિંદા સાથેના છૂટાછેડાની અફવાઓ વિશે વાત કરી હતી. હવે માહિતી સામે આવી છે કે, સુનિતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. તેણીએ ગોવિંદા સામે 'પ્રેમ-લગ્નમાં છેતરપિંડી, દુઃખ પહોંચાડવા અને અલગ રહેવા'ના આધારે છૂટાછેડા માંગ્યા છે. સુનિતા આહુજાએ હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોર્ટે 25 મેના રોજ ગોવિંદાને સમન્સ પાઠવ્યું હતું અને જૂનથી બંને તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુનિતા સુનાવણી દરમિયાન વારંવાર કોર્ટમાં હાજર રહી રહી છે પરંતુ ગોવિંદા ગુમ છે. અગાઉ સુનિતાએ છૂટાછેડાની અફવાઓ વિશે વાત કરી હતી ત્યારે સ્પષ્ટ એવું લાગી રહ્યું હતું કે, ગોવિંદા અને સુનિતા વચ્ચે બધું જ બરાબર ચાલી રહ્યું છે.