ફિલ્મ ધુરંધર હાલ સતત ચર્ચામાં છે. આદિત્ય ધરની આ ફિલ્મમાં રણવીર સિંહનું હમઝા પાત્ર જેટલું ચર્ચાય છે, તેટલું જ ધ્યાન અક્ષય ખન્નાના રહેમાન ડકૈતના પાત્રએ ખેંચ્યું છે. ખાસ કરીને શેર-એ-બલોચ ગીતમાં તેની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેટલાક લોકો માને છે કે રહેમાન ડકૈત વાસ્તવિક જીવનમાં અત્યંત ખતરનાક હતો, જ્યારે કેટલાક કહે છે કે તેનું નામ જેટલું મોટું બતાવવામાં આવ્યું છે, તેટલો મોટો ગેંગસ્ટર તે નહોતો. અનેક દર્શકો માટે તો ફિલ્મ પહેલાં રહેમાન ડકૈત નામ અજાણ્યું હતું.

કોણ હતો રહેમાન ડકૈત?

રહેમાન ડકૈતનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો, લ્યારી વિસ્તારમાં, જ્યાં એક સમયે સ્થાનિક ગુંડાઓનો ભારે આતંક હતો. ક્યારેક ફૂટબોલ માટે જાણીતું રહેલું આ વિસ્તાર સમય જતાં ગુનાખોરીનું ગઢ બની ગયું. 1990ના દાયકામાં અહીં બાબુ ડાકુ તરીકે ઓળખાતા ગેંગસ્ટર ઇકબાલે ડ્રગ્સના વેપારથી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું. પોલીસ પણ તેની સામે પગલું ભરતા ખચકાતી. ઇકબાલનો સૌથી મોટો દુશ્મન દાદલ હતો, જેને મારીને તેણે પોતાની પકડ વધુ મજબૂત કરી. પરંતુ દાદલના મોત બાદ વિસ્તારમાં ઊભી થયેલી ખાલી જગ્યા પાછળથી તેના પુત્ર સરદાર રહેમાન બલોચ, ઉર્ફે રહેમાન ડકૈતે ભરેલી.

નિર્ભયતા અને ક્રૂરતાની શરૂઆત

રહેમાન એવા વ્યક્તિ તરીકે ઓળખાયો, જેને કોઈ નિયમો બાંધતા નહોતા. કહેવાય છે કે માત્ર 13 વર્ષની ઉંમરે તેણે પોતાની માતાની હત્યા કરી અને શંકાના આધારે તેના મૃતદેહને છતના પંખા સાથે લટકાવી દીધો. આ ઘટના બાદ રહેમાન ડકૈતનો ભય સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો. લોકો માનતા કે જે વ્યક્તિ પોતાની માતાને મારી શકે, તે કોઈને પણ નથી છોડતો. 

દુશ્મની અને અંત

જેમ જેમ રહેમાનની શક્તિ વધી, તેમ તેમ દુશ્મનો પણ વધ્યા. હાજી લાલુના પુત્ર અરશદ પપ્પુએ બદલો લેવા માટે તેના પિતાની કબર સાથે છેડછાડ કરી અને રહેમાનના કાકાની જાહેરમાં હત્યા કરી. આ બધાની વચ્ચે પોલીસ અધિક્ષક ચૌધરી અસલમને રહેમાન ડકૈતને ખતમ કરવાની જવાબદારી સોંપવામાં આવી. 2006માં રહેમાન જેલમાં ગયો, પરંતુ લાંચ આપીને છૂટ્યો. અંતે 2009માં, પાંચ કલાક ચાલેલા ખાસ ઓપરેશન બાદ ચૌધરી અસલમના નેતૃત્વમાં થયેલા એન્કાઉન્ટરમાં રહેમાન ડકૈતનો અંત આવ્યો.

આ પણ વાંચો- બોલીવુડની આ હસીનાના રહ્યા 6 અફેર, વર્ષો સુધી પતિએ કરી મારપીટ, દીકરીએ પણ કર્યો તેનો ત્યાગ, એક્ટ્રેસનું તૂટેલું જીવન!