રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ રામાયણની રિલીઝની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને દિવાળી 2026ના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલુ છે, જેમાં તે ધૂમ કમાણી કરી રહી છે. આ સાથે તેના પ્રીમિયર્સ પણ શરૂ થઈ ચૂક્યા છે. આવા સમયે તાજેતરમાં જ યશના બાળકોએ પણ પિતાની ફિલ્મ જોઈ હતી.
રાવણના રોલ પર પુત્રનું રિએક્શન
આ દરમિયાન રામાયણમાં રાવણની ભૂમિકા ભજવી રહેલા યશે જણાવ્યું કે તેના પુત્રએ તેને રાવણના પાત્રમાં જોઈને કેવો પ્રતિભાવ આપ્યો હતો. અભિનેતાએ જણાવ્યું કે આ ઘણું આશ્ચર્યજનક હતું. આવો જાણીએ યશે શું કહ્યું. યશે રામાયણમાં રાવણના રોલ પર પોતાના પુત્રના રિએક્શન વિશે ખુલાસો કર્યો હતો. એક્ટરે પુત્રની પ્રતિક્રિયા અંગે કહ્યું, મારા પુત્રને ખબર છે કે તેના પિતા કોણ છે. પરંતુ હવે જ્યારે તેને રામાયણની સ્ટોરીની ખબર પડી ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, ના, તમે તો ખરાબ માણસ છો! તમે આવું કેવી રીતે કરી શકો? પછી મેં તેને સમજાવ્યું કે લોકોને સ્ટોરી બરાબર સમજાય તે માટે અમારે આખી સ્ટોરી રજૂ કરવી પડે છે.

યશે પુત્રને રામ અને રાવણના પાત્રો વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. તેણે જણાવ્યું કે રામાયણ માટે રાવણનું પાત્ર કેટલું મહત્વનું છે. સાથે જ તેણે પુત્રને ભગવાન શ્રીરામ સાથે જોડાયેલા સંસ્કારો અને મૂલ્યો વિશે પણ શીખ આપી, જેથી તે રાવણ તરીકે પોતાના પિતાના અભિનયને માણી શકે અને સાથે સાથે શ્રીરામને જ પોતાના સાચા આદર્શ માને.
રાવણ અને રામના આદર્શો વચ્ચેનો ભેદ
યશ જણાવે છે, મારે મારા પુત્રને પાસે બેસાડીને સમજાવવું પડ્યું કે આ સ્ટોરીમાં મુખ્ય પાત્ર જેને તમારે આદર્શ માનવું જોઈએ, તે ભગવાન શ્રીરામ છે. દરેકે શ્રીરામના દર્શાવેલા માર્ગ પર જ ચાલવું જોઈએ. રાવણ ભલે ભવ્ય, શક્તિશાળી અને પ્રભાવશાળી દેખાય, પરંતુ જીવનમાં સાચી અને કાયમી જીત ત્યારે જ મળે છે જ્યારે તમે શ્રીરામના આદર્શો અને ધર્મને પોતાના જીવનમાં ઉતારો. મેં તેને કહ્યું કે તું થિયેટરમાં એક કલાકાર તરીકે મારો ઉત્સાહ ચોક્કસ વધારી શકે છે, પરંતુ તે પાત્રને જ તારો આદર્શ માનવાની ભૂલ ન કરતો.

બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે ફિલ્મ રામાયણ
નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ વિશે વાત કરીએ તો તેને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં ભગવાન રામના રોલમાં રણબીર કપૂર અને માતા સીતાના પાત્રમાં સાઈ પલ્લવી જોવા મળશે. જ્યારે સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ, લારા દત્તા અને અરૂણ ગોવિલ સહિતના કલાકારો પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનો પહેલો ભાગ 5 નવેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો-Box Office : જેલર 2ની કમાણીમાં ઘટાડો, ઉડતા તીરે મારી બાજી! જાણો અન્ય ફિલ્મોની હાલત