સૂરજ બડજાત્યાનું નામ સાંભળતાં જ મનમાં મોટા પરિવાર, સંસ્કાર, ભવ્ય સેટ અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓની છબી ઊભી થાય છે. ફરી એકવાર દર્શકોને પારિવારિક સંબંધોની આવી જ સુંદર દુનિયામાં લઈ જવા માટે રાજશ્રી પ્રોડક્શન્સ તૈયાર છે. તેમની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નાં ગીતો પહેલેથી જ લોકોની જીભે ચઢી ગયાં છે. હવે 18 નવેમ્બરે ફિલ્મનું બહુપ્રતિક્ષિત ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

ટ્રેલર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને આયુષ્માન ખુરાના અને શર્વરીની નવી અને જોરદાર જોડી દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.

https://x.com/taran_adarsh/status/2123039553225359440?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123039553225359440%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મુંબઈમાં યોજાયો કલાકારોનો મેળાવડો

ફિલ્મના ટ્રેલર રિલીઝનો ખાસ કાર્યક્રમ મુંબઈમાં યોજાયો હતો, જેમાં ફિલ્મની સમગ્ર કલાકારમંડળી એકસાથે જોવા મળી હતી. સૂરજ બડજાત્યાની ફિલ્મોની ખાસિયત હંમેશાં પરિવાર અને એકતાનો સંદેશ આપવાની રહી છે. ટ્રેલર રિલીઝના કાર્યક્રમમાં પણ કલાકારોની એકસાથે હાજરીએ આ વાતને વધુ સુંદર રીતે રજૂ કરી હતી.

મિત્રતામાંથી પ્રેમ અને પછી પારિવારિક ગૂંચવણો

સૂરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી 'યે પ્રેમ મોલ લિયા' એક પારિવારિક પ્રેમકથા છે. ફિલ્મની વાર્તા બે પાકા મિત્રો એટલે કે આયુષ્માન ખુરાના અને શર્વરીની આસપાસ ફરે છે. સમય જતાં બંનેની ગાઢ મિત્રતા પ્રેમમાં બદલાય છે. જોકે, બંનેનાં લગ્નની વાત આવે છે ત્યારે મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે.

ફિલ્મની વાર્તા પિયર, સાસરિયાં અને બંને પરિવારો વચ્ચેના સંબંધો પર આધારિત છે. આજના સમયના પ્રેમને સંયુક્ત પરિવારની લાગણી, પરંપરાઓ અને અપેક્ષાઓ સાથે જોડીને ફિલ્મમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે.

ટ્રેલરમાં દર્શકોને એક એવા સંબંધની ઝલક જોવા મળે છે, જે સામાન્ય લગ્નજીવનથી અલગ છે. લગ્ન પછી દુલ્હન પોતાના પતિના ઘરે જવાને બદલે અહીં વરરાજા પોતાની પત્નીના પરિવારનો હિસ્સો બનતો જોવા મળે છે. વાર્તામાં મુખ્ય મહિલા પાત્રને પોતાના સંબંધ અને પારિવારિક જીવનને કેવી રીતે આગળ વધારવું તે નક્કી કરવાની મહત્વની છૂટ આપવામાં આવી છે.

ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે પતિ પોતાની પત્નીના ઘરે રહેવાનો નિર્ણય કરે છે. સામાન્ય રીતે લગ્ન પછી મહિલાએ પોતાનું પિયર છોડીને સાસરિયાંના વાતાવરણમાં રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આ ફિલ્મ આ પરંપરાગત વિચારથી અલગ દિશા બતાવે છે.

ફિલ્મમાં શર્વરીના પાત્રને પોતાના સંબંધને કેવી રીતે આગળ વધારવો તે નક્કી કરવાની પૂરતી સ્વતંત્રતા આપવામાં આવી છે. લગ્ન પછી પિયર કે સાસરિયાંમાંથી કોઈ એકની પસંદગી કરવાને બદલે બંને પરિવારોને સાથે રાખીને નવું જીવન શરૂ કરવાની વાત ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે.

ફિલ્મમાં દિગ્ગજ કલાકારોની લાંબી યાદી

આ ફિલ્મમાં અનેક જાણીતા કલાકારો એકસાથે જોવા મળશે. આયુષ્માન ખુરાના અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે અનુપમ ખેર, સુપ્રિયા પાઠક, સીમા પાહવા, સૌમ્યા ટંડન, સ્વાનંદ કિર્કિરે, શ્રુતિ સેઠ, શાદ રંધાવા, ગિરીશ કુલકર્ણી અને રાજેશ કુમાર જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

રાજશ્રી પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ખુદ સૂરજ બડજાત્યાએ કર્યું છે. ફિલ્મનાં ગીતોને લઈને પહેલેથી જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંગીતકાર હિમેશ રેશમિયાએ ફિલ્મનાં ગીતોને સંગીતથી સજાવ્યાં છે.

પ્રેમ અને પરિવારની આ સુંદર વાર્તા મોટા પડદે જોવા માટે દર્શકોએ હવે વધુ રાહ જોવી નહીં પડે. આ ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.