કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવના સોનાની દાણચોરી કેસમાં નવા ખુલાસા થઇ રહ્યા છે. રાન્યા રાવ કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આ મામલે હવે કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરના હૉસ્પિટલમાં EDના દરોડા પડ્યા છે. તપાસ દરમિયાન EDને રાન્યા રાવ અને એચ.એમ.જી પરમેશ્વર સાથે જોડાયેલા કેટલા પુરાવા મળ્યા છે. રાન્યા રાવ અને એચ.એમ.જી પરમેશ્વરની સિદ્ધાર્થ મેડિકલ કોલેજ વચ્ચે નાણાંની લેતી-દેતીના પુરાવા હાથ લાગ્યા છે. ED હવે હૉસ્પિટલના નાણાંકિય રેકોર્ડની તપાસ કરી રહી છે.


રાન્યા રાવને મળ્યા જામીન

સોનાની દાણચોરી મામલે મુખ્ય આરોપી રાન્યા રાવ અને સહ-આરોપી તરુણ કોંડારુ રાજુને સ્પેશ્યિલ કોર્ટે જામીન આપ્યા છે. જસ્ટીસ વિશ્વનાથ સી.ગૌદરે જામીન આપતા બન્ને સમક્ષ શરતો મુકી છે. જેમાં તેઓ દેશ છોડીને બહાર નહી જઇ શકે. અને જો આવો ગુનો તેઓ ફરીથી કરે તો તેમના જામીન રદ્દ કરવાના પણ આદેશ આપ્યા છે. જો કે રાન્યા રાવને જામીન મળ્યા બાદ પણ જેલ મુક્તિ કરાઇ નથી. તેનું કારણ એ છે કે, રાન્યા સામે ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અને આ કેસમાં પણ જો તેને જામીન નહી મળે તો તેને જેલ મુક્તિ આપવામાં આવશે નહી. ડીઆરઆઇના અધિકારી હજુ સુધી તેના વિરુદ્ધ કોર્ટમાં આરોપપત્ર રજૂ કરી શક્યા નથી.

શું છે સમગ્ર મામલો ?

કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચના રોજ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 14.8 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યુ હતુ. જે બાદ DRIએ મોટી કાર્યવાહી કરી હતી. આ મામલામાં મિત્ર સાહિલ જૈન, તરુણ રાજૂની પણ ધરપકડ કરાઇ હતી. તેઓએ સોનું અને રોકડ રકમને છુપાવવામાં રાન્યા રાવની મદદ કરી હતી. રાન્યા રાવના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેના પિતા પોલીસ અધિકારી છે. કર્ણાટકમાં રામચંદ્ર રાવ ઉચ્ચઅધિકારી તરીકે કાર્યરત છે. રાન્યા રાવ રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે

  • Follow us on: