બોલિવૂડ અભિનેતા સૈફ અલીખાન પર હુમલો થયો હતો. હુમલાખોરે 6 વખત ચાકુથી પ્રહાર કર્યા હતા. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. વિવિધ એન્ગલથી તપાસ ચાલી રહી છે. બીજી તરફ સૈફ અલીખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. આ હુમલાથી સૈફ અલી ખાનના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે.
સૈફના પરિવારને સુરક્ષા મળી
આરોપીઓ જે રીતે સૈફ અલીખાનના ઘરમાં ઘુસ્યો અને સીધો જ પુત્ર જેહના રૂમમાં પ્રવેશ્યો. આ ઘટનાને લઇને સૈફ અલી ખાનના ઘરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠ્યા છે. જો કે આ મામલે એક નવુ અપડેટ આવ્યું છે. મુંબઈ પોલીસે સૈફના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે. અભિનેતા પર થયેલા જીવલેણ હુમલા બાદ પરિવારને પોલીસ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. આટલા મોટા હુમલા બાદ પરિવાર ડરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે તેમના પરિવારને આ મામલાની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સુરક્ષા કવચ આપવામાં આવ્યું.
કઇ કેટેગરીની મળી સુરક્ષા ?
જોકે દંપતીના પરિવારની સુરક્ષા માટે કેટલા પોલીસકર્મીઓની વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી સામે આવી નથી. આ ઉપરાંત સૈફ-કરીનાને આપવામાં આવેલી સુરક્ષા (X, Y, Z શ્રેણી) જેવી કોઈપણ શ્રેણીમાં વ્યાખ્યાયિત કરવામાં આવી નથી.
કેવી રીતે પહોંચ્યો આરોપી ?
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે શરીફુલ સાતમા માળે જવા માટે સીડીનો ઉપયોગ કરતો હતો. સૈફ તેના પરિવાર સાથે આ માળે રહે છે. પછી તે ડક્ટ એરિયામાં પ્રવેશ્યો અને પાઇપની મદદથી 12મા માળે ગયો. આરોપી બાથરૂમની બારીમાંથી અભિનેતાના ફ્લેટમાં પ્રવેશ્યો અને સીધો જેહના રૂમમાં ગયો. શરીફુલને જોઈને સૈફની મહિલા સ્ટાફ મેમ્બરે ચીસો પાડી. જે બાદ સૈફ-કરીના ત્યાં પહોંચ્યા. સૈફ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ, જે દરમિયાન તેણે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો.