બુધવારે મોડી રાત્રે બાંદ્રામાં 12મા માળના ફ્લેટમાં ઘૂસેલા એક ચોરે બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર છરી વડે અનેક વાર હુમલો કર્યો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. સૈફને ગરદન, પીઠ અને હાથ સહિત શરીરના અનેક ભાગોમાં ઈજાઓ થઈ હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એક્ટરની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી.


હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) ડો. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે એક્ટર સ્વસ્થ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે, તેમને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. હાલમાં, તે બેડ રેસ્ટ પર છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે એક્ટરે પોતાની સારવાર માટે ઈન્સ્યોરન્સ ક્લેમ કર્યો છે.

હેલ્થ ઈન્સ્યોરન્સના દાવામાં 25 લાખ રૂપિયા મળ્યા

સૈફ અલી ખાનનો સ્વાસ્થ્ય હેલ્થ ઈન્સ્યોરન્સ ફોર્મ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સામે આવ્યો છે. સૈફ અલી ખાન પાસે નિવા બુપાની પોલિસી છે. લીક થયેલા ડોક્યુમેન્ટમાં ખુલાસો થયો છે કે સૈફ અલી ખાને પોતાની સારવાર માટે 35.95 લાખ રૂપિયાનો ક્લેમ કર્યો હતો, જેમાંથી 25 લાખ રૂપિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ 25 લાખ રૂપિયા ફક્ત શરૂઆતની રકમ છે જે કેશલેસ સારવાર માટે મંજૂર કરવામાં આવી છે.

એકવાર અંતિમ બિલ પ્રાપ્ત થઈ જાય, પછી બાકીની રકમ, જો કોઈ હોય તો, પોલિસીના નિયમો અને શરતો અનુસાર ચૂકવવામાં આવશે. આ સિવાય ડોક્યુમેન્ટમાં તેમના સભ્ય ID, નિદાન, રૂમનો પ્રકાર અને 21 જાન્યુઆરીની ડિસ્ચાર્જ તારીખ જેવી સંવેદનશીલ માહિતી શામેલ છે.

સૈફ અલી ખાન સ્યુટ રૂમમાં

ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલી માહિતીના આધારે, 54 વર્ષીય એક્ટર હાલમાં બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના એક સ્યુટ રૂમમાં છે, જ્યાં 16 જાન્યુઆરી, 2025 ના રોજ દાખલ થયા પછી તેઓ 'શારીરિક ઈજાઓ' માટે સારવાર લઈ રહ્યા છે. પરિવારે શરૂઆતમાં 3,598,700 રૂપિયાની માંગણી કરી હતી. કંપનીએ સારવાર માટે રૂ. 2,500,000 ની પ્રારંભિક રકમ મંજૂર કરી છે.

કંપનીએ ક્લેમ પર શું કહ્યું?

નિવા બુપા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીએ દાવાની પુષ્ટિ કરી અને કહ્યું કે 'સૈફ અલી ખાન અમારા પોલિસી ધારકોમાંથી એક છે. તેમના હોસ્પિટલમાં દાખલ થયા પછી, અમને કેશલેસ પ્રી-ઓથોરાઈઝેશન વિનંતી મોકલવામાં આવી હતી અને અમે તેમની સારવાર માટે પ્રારંભિક રકમ મંજૂર કરી દીધી છે. કંપનીએ કહ્યું કે સારવાર પૂર્ણ થયા પછી, જ્યારે અમને અંતિમ બિલ મળશે, ત્યારે પોલિસીના નિયમો અને શરતો અનુસાર તેનું સમાધાન કરવામાં આવશે.


15-16 જાન્યુઆરીની રાત્રે મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે ચોરીના પ્રયાસ દરમિયાન સૈફ અલી ખાન પર છ વાર છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. ખાનની જનસંપર્ક ટીમના જણાવ્યા મુજબ હુમલાખોરે રાત્રે લગભગ 2:30 વાગ્યે તેમના પર હુમલો કર્યો. શુક્રવારે રિલીઝ થયેલા એક નવા વીડિયોમાં શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો ઢંકાયેલો અને બેગ લઈને ઈમારતમાં પ્રવેશતો જોવા મળે છે. આ ઘટના અંગે પોલીસે એક્ટ્રેસ કરીના કપૂરનું પણ નિવેદન લીધું છે.

અંડરવર્લ્ડ ગેંગે હુમલો કર્યો ન હતો

મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે પુષ્ટિ આપી છે કે સૈફ અલી ખાન પર કોઈ અંડરવર્લ્ડ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો નથી. તેમને કહ્યું કે 'કસ્ટડીમાં લેવાયેલો શંકાસ્પદ કોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી.' આ હુમલો કોઈ ગુનાહિત નેટવર્ક દ્વારા કરવામાં આવ્યો ન હતો.


  • Follow us on: