સૈફ અલી ખાનના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ અંગે રોજેરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હવે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરે પુત્ર જહાંગીરને બંધક બનાવીને પૈસા માંગવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીનો ઈરાદો 1 કરોડ રૂપિયા લઈને કાયમ માટે બાંગ્લાદેશ પાછા ફરવાનો હતો.

આરોપી બાંગ્લાદેશનો ? 
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલાખોરે સૈફની નોકરાણી લીમા ફિલિપ્સ પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે લીમાએ ના પાડી ત્યારે આરોપી અને લીમા વચ્ચે ઝઘડો થવા લાગ્યો. ઝઘડાના અવાજથી ઘરના લોકો જાગી ગયા અને આરોપીએ પકડાઇ જવાના ડરથી આડેધડ હુમલો કરવા લાગ્યો હતો. આરોપીએ પહેલા લીમા પર હુમલો કર્યો અને જ્યારે સૈફ અલી ખાન દરમિયાનગીરી કરવા આવ્યો ત્યારે આરોપીઓએ પહેલા તેની ગરદન પર અને પછી તેની પીઠ પર હુમલો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીને બાંગ્લાદેશ પાછા ફરવા માટે નકલી પાસપોર્ટની જરૂર હતી અને તે તેના માટે પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી સામે આવી છે.

સૈફનો હુમલો કરનાર શરીફુલ કોણ? 
સૈફના આરોપી સાથે જોડાયેલી બીજી એક માહિતી પ્રકાશમાં આવી છે. સૈફનો હુમલો કરનાર શરીફુલ બાંગ્લાદેશનો પહેલવાન છે. તે બાળપણથી જ તેના મહોલ્લામાં કુસ્તી કરતો હતો. તેણે સ્થાનિક સ્તરે કેટલીક કુસ્તી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. એટલા માટે તેનું શરીર એકદમ ફિટ હતું. શરીફુલ બાંગ્લાદેશનો રહેવાસી છે. મુંબઈ પોલીસે ગઈકાલે થાણેથી તેની ધરપકડ કરી હતી.

આજે ક્રાઇમ સીન ક્રિએટ કરાશે  
મહત્વનું છે કે મુંબઈ પોલીસ આજે આ કેસમાં ક્રાઇમ સીન ક્રિએટ કરશે. પોલીસ આ કેસની તપાસ આંતરરાષ્ટ્રીય કાવતરાના દૃષ્ટિકોણથી પણ કરશે. ગઈકાલે આરોપીને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આજે શરીફુલને સાંતાક્રુઝ લોકઅપમાંથી બાંદ્રા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરશે.

  • Follow us on: