- 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ YRFના સ્પાયવર્સનો એક પાર્ટ
- ફિલ્મમાં કેટલાક ઇસ્લામિક દેશો અને પાત્રોને પ્રતિકૂળ રીતે દર્શાવતા પ્રતિબંધ?
- સમ્રાટ પૃથ્વીરાજ બાદ ટાઈગર-3 પર કુવૈત, ઓમાન અને કતારમાં પ્રતિબંધ
સલમાન ખાનની બહુચર્ચિત અને છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવામાં આવી રહી છે તેવી ફિલ્મ 'ટાઈગર 3' દિવાળી પર અવસર પર એટલે કે 12 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવી રહી છે. 'ટાઈગર' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ YRFના સ્પાયવર્સનો એક પાર્ટ છે, જેમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે છે. જો કે, હવે ફિલ્મની રિલીઝને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક્શન થ્રિલર ફિલ્મ 'ટાઈગર 3'ને ઓમાન અને કતારમાં પ્રતિબંધિત કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
કુવૈત-અમાનમાં 'ટાઈગર 3' પર પ્રતિબંધ?
અક્ષય કુમારની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને કુવૈત અને ઓમાનમાં પ્રતિબંધનો સામનો પડ્યો હતો. ત્યારબાદ, હવે સલમાન ખાનની એક્શન થ્રિલર 'ટાઈગર 3' આ જ દેશોમાં તેમજ કતારમાં પ્રતિબંધિત છે. પ્રતિબંધનું કારણ ઇસ્લામિક દેશો અને પાત્રોનું નકારાત્મક ચિત્રણ હોવાનું કહેવાઈ રહ્યું છે. કથિત રીતે ફિલ્મના દ્રશ્યો તુર્કી, રશિયા અને ઑસ્ટ્રિયામાં શૂટ કરવામાં આવ્યા છે, જ્યાં ફિલ્મનો હીરો વૈશ્વિક આતંકવાદી સંગઠન સામે સામનો કરે છે. આ ફિલ્મમાં કેટલાક ઇસ્લામિક દેશો અને પાત્રોને પ્રતિકૂળ રીતે દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે કુવૈત, ઓમાન અને કતારમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
'ટાઈગર 3'ના કલેક્શન પર થશે અસર
'ટાઈગર 3'ને ભારતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેને ઈસ્લામિક દેશોની સરકારો અને સેન્સર બોર્ડના વાંધાઓનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી પ્રતિબંધ અંગે કે ફિલ્મોમાં કોઈ ફેરફાર કરવાની શક્યતા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આ પ્રતિબંધથી ફિલ્મોના વિદેશી કલેક્શન પર અસર થવાની સંભાવના છે, કારણ કે ગલ્ફ દેશો બોલિવૂડ ફિલ્મો માટેનું મોટું અને મહત્વનું બજાર માનવામાં આવે છે.