- સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ કર્યું ફાયરિંગ
- સવારે 4.50 વાગ્યે બાંદ્રામાં એક્ટરનાં ઘરની બહાર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ
- ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમે ઘટનાસ્થળની લીધી મુલાકાત
બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકીઓ બાદ સલમાન ખાન કડક સુરક્ષા હેઠળ રહે છે પરંતુ ભારે સુરક્ષા હોવા છતાં સવારે 4.50 વાગ્યે અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ જેના પછી ફેન્સમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
સલમાનના ઘરની બહાર ફાયરિંગ
મળતી માહિતી મુજબ, સવારે 4.50 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ હવામાં 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેર્યું હતી જેના કારણે હાલ તેમની ઓળખ થઈ શકી નથી. આ મામલે તપાસ કરવા ફોરેન્સિક ટીમ પણ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે.
સલમાનની સુરક્ષા વધારી દેવાઈ
ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સલમાન ખાનના બંગલાની બહાર ગોળી કોણે ચલાવી તે હજુ તપાસનો વિષય છે પરંતુ સલમાન ખાનને મળેલા ખતરાને જોતા તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સલમાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી
બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર આ રીતે ફાયરિંગના સમાચાર સામે આવતા જ અભિનેતાના ફેન્સ ભારે ટેન્શનમાં આવી ગયા હતા. દરેક વ્યક્તિ સલમાનની સુરક્ષાને લઈને ચિંતિત છે કારણ કે છેલ્લા ઘણા સમયથી સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ સલમાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અભિનેતાના ઘરની બહાર ફાયરિંગનો મામલો ઘણો ગંભીર છે.
સલમાનના ઘરની બહાર 24 કલાક પોલીસ ચોકી કરે છે
તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર તરફથી ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સલમાન ખાનને મુંબઈ પોલીસે તમામ હથિયારો અને સુરક્ષા કર્મચારીઓ આપી દીધા છે. સલમાનને પર્સનલ આર્મ્સ લાયસન્સ પણ આપવામાં આવ્યું છે જેથી તે પોતાની સુરક્ષા માટે અંગત હથિયાર રાખી શકે. ત્રણ શિફ્ટમાં 24 કલાક તેમના ઘરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે.









