• સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો
  • સોનુ નિગમને સંગીત વારસામાં મળ્યું છતાં અહીં સુધી પહોંચવા આકરી મહેનત કરી
  • સોનુ નિગમ આજે ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ અને મોંઘા ગાયકોમાંના એક છે
સોનુ નિગમ હિન્દી સિંગિંગ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બની ગયું છે. આજે તેને કોઈ પરિચયની જરૂર નથી. તેમનો અવાજ ભારતની ઓળખ છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના ફેન્સ છે. ભલે સોનુ નિગમ આજે ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ અને મોંઘા ગાયકોમાંના એક છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સોનુ નિગમને સંગીત વારસામાં મળ્યું છે પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેમને ઘણી મહેનત કરવી પડી છે.

માતા કી ચૌકીમાં એક સમયે લગ્નોમાં ગીતો ગાનાર સોનુ નિગમ આજે એવી સ્થિતિમાં છે જ્યાં પહોંચવાનું દરેકનું સપનું છે. આજે એટલે કે 30મી જુલાઈએ ખ્યાતિ અને કિસ્મત કમાવનાર સોનુ નિગમનો જન્મદિવસ છે. તેમની સફળતામાં તેમના એક સેડ ગીતે વિશેષ ભૂમિકા ભજવી છે. આ એક ગીત પછી તેમનું નસીબ બદલાઈ ગયું હતું.

સોનુ પિતા સાથે ગીતો ગાતો હતો

સોનુ નિગમનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો. તેમના પિતા આગમ કુમાર નિગમ પણ લોકપ્રિય ગાયક હતા. તેમણે ખૂબ જ નાની ઉંમરે પિતા સાથે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે માત્ર ચાર વર્ષનો હતો ત્યારે તેણે પહેલીવાર સ્ટેજ પર 'ક્યા હુઆ તેરા વાદા' ગીત ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા. આ પછી તેણે તેમના પિતા સાથે સ્ટેજ પર ઘણી વાર ગીતો ગાયા છે.

1990માં ટી-સિરીઝથી કરિયરની શરૂઆત કરી

પિતા સાથે સ્ટેજ પર ગીત ગાયા બાદ સોનુ નિગમે કારકિર્દી બનાવવા અને સંગીતનું શિક્ષણ લેવા મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું. જોકે, મુંબઈમાં તેમને ઘણાં વર્ષો સુધી મહેનત કરવી પડી હતી. સક્ષમ હોવા છતાં કેટલાક વર્ષો સુધી તેમને કોઈ ખાસ કામ ન મળ્યું હતું. પરંતુ તેણે સતત મહેનત કરી અને 1990માં ટી-સિરીઝના ઘણા ભજનો અને કવર ગીતો ગાયા હતા.

આ ગીતથી નસીબ બદલાઈ ગયું

સોનુ નિગમે તેનું પહેલું ગીત 'જાનમ (1990)' ફિલ્મમાં ગાયું પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. આ પછી તેણે દૂરદર્શનના શો 'તલાશ' માટે 'હમ તો છૈલા બન ગયે' રેકોર્ડ કર્યું હતું. ત્યારબાદ તેનું પહેલું ફિલ્મી ગીત 'ઓ આસમાન વાલે' રિલીઝ થયું અને તેણે 'આજ મેરી જાન'ને અવાજ આપ્યો. પરંતુ તેને કોઈ ખાસ ઓળખ મળી ન હતી. આ પછી 1992માં આવેલ તેમનું આલ્બમ 'રફી કી યાદેં' ઘણું ફેમસ થયું હતું પરંતુ 'બેવફા સનમ (1995)'નું સુપરહિટ ગીત 'અચ્છા સિલા દિયા' હતું જેણે તેને નામ અને ખ્યાતિ અપાવી જેણે તેનું ભાગ્ય બદલી નાખ્યું હતું.

  • Follow us on: