- કિંગ ખાને ફિલ્મના વિલનની ઝલક રજૂ કરીને ફેન્સનો ઉત્સાહ નવી ઊંચાઇએ પહોંચાડયો
- એક્શન અવતાર સહિત ફિલ્મની દરેક ઝલક 'જવાન' એક્શનથી ભરપૂર હોવાનું દર્શાવે
- ફિલ્મનું દિગ્દર્શન સાઉથના જાણીતા ડાયરેક્ટર એટલીએ કર્યું
શાહરુખ ખાને તેની અપકમિંગ ફિલ્મ 'જવાન'ના વિલનની એક ઝલક રજૂ કરીને ફેન્સનો ઉત્સાહ નવી ઊંચાઇએ પહોંચાડી દીધો છે. શાહરુખે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિનું નવું પોસ્ટર રજૂ કર્યું છે, જેમાં સેતુપતિને 'ડીલર ઑફ ડેથ' ગણાવ્યો છે. આમ, આ ફિલ્મમાં બે દમદાર અભિનેતાઓ વચ્ચે ધમાકેદાર ક્લેશ જોવા મળશે. સશક્ત અભિનય અને બહુમુખી પ્રતિભા માટે જાણીતા વિજય સેતુપતિની 'જવાન'માં ઉપસ્થિતિ ફિલ્મમાં ઇન્ટેન્સિટી ઉમેરે છે અને એક્શન થ્રીલર ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મને એક મસ્ટ વૉચ ફિલ્મ બનાવે છે. 'જવાન'ના દરેક નવા પોસ્ટર સાથે આ ફિલ્મ માટે ફેન્સનું જોશ વધી રહ્યું છે. શાહરુખના બાલ્ડ લુકથી માંડીને નયનતારાના એક્શન અવતાર સહિત ફિલ્મની દરેક ઝલક 'જવાન' એક્શનથી ભરપૂર હોવાનું દર્શાવે છે.
ફિલ્મ અંગેની અપડેટ્સ સામે આવી રહી છે તેમ તેમ ફેન્સની ઉત્સુકતા વધી રહી છે. 'જવાન'નો પ્રિવ્યૂ પણ બહુ વખણાયો હતો. ત્યાર બાદ ફિલ્મમાં નયનતારાનો લૂક સામે આવ્યો હતો. પ્રિવ્યૂમાં નયનતારાના એક્શન મોડની ઝલક જોવા મળ્યા બાદ શાહરુખે ગત સપ્તાહે નયનતારાનો લૂક રિવીલ કરતા 'જવાન'નું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું, જેમાં નયનતારાનો એક્શન અવતાર ફેન્સને ખૂબ ગમ્યો હતો. ફિલ્મમાં નયનતારા પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. શાહરુખની પત્ની ગૌરી ખાન દ્વારા નિર્મિત 'જવાન' 7 સપ્ટેમ્બરે થિયેટર્સમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ અને સુનીલ ગ્રોવર પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે જ્યારે દીપિકા પાદુકોણ અને થલપતિ વિજયનો સ્પેશિયલ એપિયરસન્સ છે. ફિલ્મનું દિગ્દર્શન સાઉથના જાણીતા ડાયરેક્ટર એટલીએ કર્યું છે.










